જામકંડોરણા તાલુકાના જસાપર ગામે વૃધ્ધાના ઘર માં ઘુસી લુંટની બનેલી ઘટનામાં, સ્થાનિક પોલીસ અને એલ.સી.બી.ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને સોના-ચાંદીના દાગીના તેમજ વાસણો સાફ કરવાના બહાને ચોરી કરતી આંતરરાજ્ય ટોળકીના બિહારના બે રીઢા ઠગોને ખજુરડા ગામ પાસેથી મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યા છે.
મળતી વિગતો અનુસાર, જામકંડોરણાના જસાપર ગામના હેમતભાઈ બચુભાઈ વેકરીયાના માતા પોતાના રહેણાંક મકાનની અંદર ખાટલા પર સૂતા હતા. તે સમયે મકાનના ડેલાનું બારણું ખુલ્લું હોવાનો લાભ ઉઠાવી બે શખ્સો ઘર માં ઘુસ્યા હતા ત્યાં આવી પહોંચ્યા હતા. પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂૂપે, બંને આરોપીઓમાં એક ઘરની બહાર ઊભા રહી કોઈ આવી ન જાય તે માટે ધ્યાન રાખ્યું હતું અને રેકી કરી હતી , જ્યારે બીજા શખ્સે ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં ઘૂસેલા શખ્સે ખાટલા પર સૂતેલા વૃદ્ધાના બંને કાનમાં પહેરેલા બુટીયા આંચકો મારી કાનમાંથી ખેંચી લીધા હતા આશરે 01 તોલા વજનના સોનાના જેની અંદાજિત કિંમત રૂૂ. 35,000 છે તે લુંટી બન્ને ફરાર થઇ ગયા હતા. જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.
આ લુંટમાં સંડોવાયેલ બન્ને શખ્સોને બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે તાત્કાલિક વોચ ગોઠવીને ખજુરડા ગામ પાસેથી ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં પ્રભાસ વ્હીલકશનસિંહ ભોય (રહે. શ્રીપુર ગામ, બિહાર) અને દુર્ગેશ કારેલાલ ઠાકુર (રહે. તુલશીપુર, બિહાર) નો સમાવેશ થાય છે. એલસીબીની કડક પૂછપરછમાં આરોપીઓએ જસાપર ગામે વૃદ્ધાની નજર ચૂકવીને સોનાના બે બુટિયા ચોર્યા હોવાની કબૂલાત આપી હતી.
પોલીસે આરોપીઓ પાસેથી સોનાની બે બુટી, એક બાઈક, બે નંગ મોબાઈલ ફોન, સોના-ચાંદી જોખવા માટેનો ડિજિટલ વજન કાંટો, દાગીના સાફ કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રવાહીની ત્રણ બોટલો અને બે બ્રશ સહિત કુલ રૂૂપિયા 75,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી તેઓ અન્ય કોઈ ચોરી કે ઠગાઈના ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં વધુ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
