જેસીબી સાથે જમીનનો કબજો લેવા પહોંચેલા સ્વામિનારાયણ મંદિરના સાધુ અને કબજેદાર વચ્ચે મારામારી: બનાવ બાદ સરધારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
સરધારના સ્વામિનારાયણ મંદિર પાસેની જમીનના ચાલતા વિવાદમાં કોર્ટ ના હુકમ બાદ જેસીબી સાથે જમીનનો કબજો લેવા ગયેલ સ્વામિનારાયણના સંતો અને જમીનના કબજેદાર વચ્ચે માથાકૂટ થતા મારામારી થઇ હતી જેમાં બન્ને પક્ષના એક-એક સભ્ય સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા.તકેદારીના ભાગ રૂૂપે સરધાર સ્વામિનારાયણ મંદિર ખાતે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
સરધાર સ્વામિનારાયણ મંદિર પાસે આવેલી જમીનનો વિવાદ ચાલતો હોય જે મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો રાજકોટ તાલુકાના સરધાર ગામે અનુસૂચિત જાતિના જીવાભાઈ દેશાભાઈ મકવાણાને સરકારે 1957 માં સરધાર ગામે 4 એકર 3 ગુંઠા જમીન 30 વર્ષના ભાડાપટ્ટે ફાળવી હતી. ત્યારબાદ જીવાભાઈનું અવસાન થતા તેમના વારસદારો આ જમીનમાં ફળ અને ફૂલ છોડનો બગીચો બનાવી તેઓના કુટુંબનું ગુજરાન ચલાવતાં હતા.
વર્ષો પછી નિયમોની અજ્ઞાનતા અને શરતચૂકના કારણે ભાડાપટ્ટો રિવ્યુ નહીં કરાવતા વર્ષ 1998 માં ખાલસા કરવાનો હુકમ કરાયો હતો, પરંતુ રેવન્યુ ખાતા તરફથી આ જમીનનો કબ્જો, જીવાભાઈના વારસદારો બિપીન બધાભાઈ મકવાણા વગેરે પાસેથી પરત લેવાની કોઇ કાર્યવાહી કરાઈ ન હોતી આ જગ્યામાં ડો. બાબા સાહેબ આંબેડકર, અને ભગવાન બુદ્ધની પ્રતિમા સ્થાપિત કરી હતી તેમજ બુદ્ધ વિહાર બનાવ્યું છે.
બીજી તરફ આ જમીન ઉપર હોસ્પિટલ બનાવવાના હેતુ થી મંદિર દ્વારા કબજો પરત લેવા કલેકટર અને હાઇકોર્ટમાં કરેલી અરજી બાદ આ જમીન સ્વામિનારાયણ મંદિરને પરત આપવા માટે કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હોય જેથી સરધાર સ્વામિનારાયણ મંદિરના સંતો અને હરિભક્તો જેસીબી સાથે ગયા ત્યારે માથાકૂટ થઇ હતી.
મારામારીમાં સરધાર રહેતા મહિપત પુનાભાઈ બાલદાણીયા (ઉવ26)ને ઈજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. મહીપતે ફરિયાદમાં જણાવ્યું કે, ગઈ કાલે સાંજે 6:30 કલાકે પોતે સરધાર સ્વામિનારાયણ મંદિર પાસે હતો ત્યારે બિપીન બધાભાઈ મકવાણા અને અશ્વિન તેમજ તેની સાથેના અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો.
સામા પક્ષે સરધાર સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા બિપીન બધાભાઈ મકવાણા (ઉવ35)એ ફરિયાદમાં જણાવ્યું કે પોતે બુદ્ધ વિહાર પાસે હતા ત્યારે જેસીબી લઇને આવેલ પતિત પાવન સ્વામી સહિતના વ્યક્તિઓએ જેસીબી લઇ આવી જગ્યાનો કબજો લેવા માથાકૂટ કરી હુમલો કર્યો હતો.આ મામલે આજીડેમ પોલીસે બને પક્ષની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.