જામનગરમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાના કાવતરામાં બે શખ્સો ઝડપાયા

96 ખાલી બોટલો, 270 ઢાંકણા અને 52 સ્ટીકર મળ્યા : 1000 લીટર રસાયણ ગટરમાં ઢોળી નાશ કર્યાનો ખુલાસો : બન્ને આરોપીઓના 12 દિવસના રિમાન્ડ જામનગર…

96 ખાલી બોટલો, 270 ઢાંકણા અને 52 સ્ટીકર મળ્યા : 1000 લીટર રસાયણ ગટરમાં ઢોળી નાશ કર્યાનો ખુલાસો : બન્ને આરોપીઓના 12 દિવસના રિમાન્ડ

જામનગર શહેરમાં રસાયણ, કલર અને એસેન્સના મિશ્રણથી ડુપ્લીકેટ દારૂૂ તૈયાર કરી તેનું વેચાણ કરવાની કથિત તૈયારીનો પર્દાફાશ થયો છે. સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં મધુવન સોસાયટીના એક મકાનમાંથી ડુપ્લીકેટ દારૂૂ ભરવા માટેની ખાલી બોટલો, વિવિધ બ્રાન્ડના ઢાંકણા અને સ્ટીકર સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. તપાસ દરમિયાન આશરે 1000 લીટર રસાયણ ગટરમાં ઢોળી નાશ કરાયું હોવાનું તેમજ આશરે 100 ખાલી બોટલો સળગાવી દેવામાં આવી હોવાનું પણ સામે આવ્યું હતું.
આ પ્રકરણમાં સીટી બી ડિવિઝન પોલીસ મથકના જાણવા જોગ નંબર 10/2026, તા.07-09-2026ની તપાસ ચાલી રહી હતી. બાતમીના આધારે પોલીસ ટીમે મધુવન સોસાયટી, શેરી નંબર-2, મકાન નંબર-16માં તપાસ કરતાં મકાનમાંથી આશરે 750 મિલીની ખાલી પ્લાસ્ટિકની બોટલો નંગ-96, મેકડોવેલ નંબર-1 સહિતની બ્રાન્ડના ઢાંકણા નંગ-270 તથા અલગ અલગ બ્રાન્ડના સ્ટીકર નંગ-52 મળી આવ્યા હતા.

વધુ તપાસમાં આ સામગ્રીનો ઉપયોગ કરી રસાયણ, કલર અને એસેન્સના મિશ્રણથી ડુપ્લીકેટ દારૂૂ તૈયાર કરવાની કથિત તૈયારી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં આશરે 1000 લીટર રસાયણ અગાઉ અન્ય મકાનમાં રાખવામાં આવ્યું હતું અને પોલીસ કાર્યવાહી પહેલાં તેને ગટરમાં ઢોળી નાશ કરી દેવાયું હોવાનું પણ બહાર આવ્યું છે. સાથે આશરે 100 ખાલી પ્લાસ્ટિકની બોટલો સળગાવી નાશ કરાયાના અવશેષો પણ પોલીસને મળ્યા હતા.

આ સમગ્ર પ્રકરણની તપાસમાં એલસીબીની ટીમ પણ જોડાઈ હતી. તપાસ દરમિયાન સંડોવણી અંગે સામે આવેલા બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. બન્ને આરોપીઓને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવતા કોર્ટે બન્નેના 12 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

હાલ બન્ને આરોપીઓના રિમાન્ડ દરમિયાન એલસીબીની ટીમ દ્વારા સમગ્ર પ્રકરણ અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. ડુપ્લીકેટ દારૂૂ ખરેખર તૈયાર કરવામાં આવ્યો હતો કે માત્ર તેની તૈયારી કરવામાં આવી હતી, રસાયણ અને અન્ય સામગ્રી ક્યાંથી મેળવવામાં આવી હતી, અત્યાર સુધીમાં કેટલો જથ્થો તૈયાર થયો હતો અને ક્યાં પહોંચાડવામાં આવ્યો હતો, તેમજ આ સમગ્ર કાવતરામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે સહિતના મુદ્દે પૂછપરછ ચાલી રહી છે.

12 દિવસના પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી ડુપ્લીકેટ દારૂૂ બનાવવાની સમગ્ર પ્રક્રિયા, સામગ્રીના સ્ત્રોત, નાણાકીય વ્યવહારો, સંભવિત ગ્રાહકો તથા અન્ય સંડોવાયેલા શખ્સો અંગે મહત્વના ખુલાસા થવાની શક્યતા છે. ગટરમાં ઢોળવામાં આવેલા રસાયણ તથા બળેલી બોટલોના અવશેષોના નમૂનાઓ પણ તપાસ માટે લેવામાં આવ્યા છે.

જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની અને સીટી ડી.વાય.એસ.પી. જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ એલસીબીના પી.આઈ. વી.બી. ચૌધરી તથા તેમની ટીમ અને સીટી બી ડિવિઝનના પી.આઈ. એન.બી. ચૌહાણ, પી.એસ.આઈ. એમ.એચ. મહેતા તથા તેમની ટીમ દ્વારા સમગ્ર પ્રકરણની વધુ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *