કેનેડામાં ફ્લાઇટ તાલીમ દરમિયાન સર્જાયેલી એક ગંભીર વિમાન દુર્ઘટનામાં ભારતના બે યુવા વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનામાં તમિલનાડુના મનોજ શિવકુમાર અને પુડુચેરીના શ્રીશરણ તિરુગ્નાનસંબંધમ નામના બે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના મૃત્યુ થયાની પુષ્ટિ વાનકુવરમાં આવેલા ભારતના કોન્સ્યુલેટ જનરલ દ્વારા કરવામાં આવી છે.
આ બંને વિદ્યાર્થીઓ કેનેડામાં કોમર્શિયલ પાઇલટ લાયસન્સ માટે ફ્લાઇટ તાલીમ અને જરૂૂરી કલાકો પૂર્ણ કરી રહ્યા હતા. કેનેડાના સાસ્કાચેવાન પ્રાંતમાં કિસ્બે નજીક તાલીમ દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.
વિમાન સમયસર તેના ગંતવ્ય સ્થાને ન પહોંચતા શોધ અને બચાવ કામગીરી શરૂૂ કરવામાં આવી હતી. સંયુક્ત બચાવ કેન્દ્રની ટીમે હેલિકોપ્ટર અને પેરાશૂટ ટેકનિશિયનોની મદદથી વિમાનનો કાટમાળ શોધી કાઢ્યો હતો, જ્યાં બંને વિદ્યાર્થીઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા.
ભારતીય દૂતાવાસે આ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી છે. દૂતાવાસ સ્થાનિક કેનેડિયન પ્રશાસન અને પીડિત પરિવારો સાથે સતત સંપર્કમાં છે. મૃતદેહોને સન્માનપૂર્વક તેમના વતન રાજ્યોમાં પરત લાવવા માટે પરિવારોને તમામ જરૂૂરી કોન્સ્યુલર અને કાનૂની સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
