દ્વારકામાં રાજકોટના યુવાન સાથે રૂા.8 લાખના દાગીનાની છેતરપિંડી આચરનાર બે ગઠિયા ઝડપાયા

એલસીબી પોલીસે સાધુનો વેશ ધારણ કરનારા ચીટરને ઝડપી લીધા દ્વારકાના અંતરિયાળ વિસ્તારમાં રાજકોટના એક સદગૃહસ્થ પરિવારને ધાર્મિક વિધિ તેમજ પ્રભુ પ્રકોપના નામે અંધવિશ્વાસમાં લઈ અને…

એલસીબી પોલીસે સાધુનો વેશ ધારણ કરનારા ચીટરને ઝડપી લીધા

દ્વારકાના અંતરિયાળ વિસ્તારમાં રાજકોટના એક સદગૃહસ્થ પરિવારને ધાર્મિક વિધિ તેમજ પ્રભુ પ્રકોપના નામે અંધવિશ્વાસમાં લઈ અને રૂૂ. 8 લાખ જેટલી કિંમતના દાગીના મેળવી લઈ, ચિટિંગ કરનારા રાજકોટ અને મોરબીના રહીશ એવા મદારી ગેંગના બે શખ્સોને એલસીબી પોલીસે ઝડપી લીધા હતા.આ સમગ્ર ચકચારી પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ રાજકોટમાં રહેતા નિર્મલભાઈ નામના એક યુવાનને સોનાની વિધિ કરાવીને રિદ્ધિ – સિદ્ધિ મળશે અને નડતર દૂર થશે તેવા વિશ્વાસમાં ભોળવીને કથિત સાધુ જેવા શખ્સોએ ફોન કરીને દ્વારકાથી આશરે 10 કિલોમીટર દૂર નાગેશ્વર રોડ ઉપર ધ્રાસણવેલ ગામે બોલાવ્યા હતા. જ્યાં આરોપીઓએ યેનકેન પ્રકારે ડરાવીને તેઓને વિશ્વાસમાં લઈ, આ દંપતિ પરિવારના જુદા જુદા પ્રકારના આશરે 8 લાખ રૂૂપિયા જેટલી કિંમતના દાગીના મેળવી લીધા હતા.

ત્યાર બાદ આ દાગીના તેઓ શુદ્ધ કરીને તેઓને પરત આપશે તેમ કહી, બાદમાં આરોપીઓએ આ દાગીનાનું ચીટીંગ કરી નાખતા આ સમગ્ર બનાવ દ્વારકા પોલીસમાં નોંધાયો હતો.જેને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ અહીંની એલસીબી પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સિસની મદદથી વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ તપાસ દરમિયાન એલ.સી.બી.ના એ.એસ.આઈ. જેસલસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, અને લાખાભાઈ પિંડારિયાને મળેલી બાતમીના આધારે દ્વારકા ચરકલા રોડ પર રેલવેના નાલા પાસેથી મોરબી તાલુકાના મકનસર ગામના જાનનાથ સુરમનાથ પઢિયાર નામના મદારી શખ્સ સાથે રાજકોટ તાલુકાના પારેવાડા ગામના નેનુનાથ પોપટનાથ બામણીયા નામના બે શખ્સોને ઝડપી લીધા હતા.

આ બંનેની પોલીસ દ્વારા આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા તેઓએ ઉપરોક્ત ચીટીંગના ગુનાની કબુલાત આપી હતી. ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે ચીટીંગ કરીને મેળવેલા સોનાના જુદા જુદા ત્રણ ચેન, ચાર વીટી ઉપરાંત રૂૂ. એક લાખની કિંમતની મોટરકાર અને રૂૂ. 5,000 ની કિંમતનો મોબાઈલ ફોન મળી કુલ રૂૂ. 9,32,000 નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ અર્થે આરોપીઓનો કબજો દ્વારકા પોલીસને સોંપવામાં આવ્યો છે.આ પ્રકરણમાં ઝડપાયેલા આરોપીઓ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગે અમરેલી અને જુનાગઢ ઉપરાંત મોરબીમાં પણ એક ગુનો નોંધાયો હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. બી.જે. સરવૈયા, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. કાંબલીયા, એ.એસ.આઈ. જેસલસિંહ જાડેજા, દિનેશભાઈ માડમ, ગોવિંદભાઈ, કુલદીપસિંહ, લાખાભાઈ, મુકેશભાઈ, પ્રકાશભાઈ, હસમુખભાઈ અને વિશ્વદિપસિંહ દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *