એન્જિનિયરિંગ કોલેજના છાત્રો સહિત હજારો વાહનચાલકોના જીવ ઉપર ઝળુંબતું જોખમ
રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ-2 પર પરસાણા ચોકડીથી કણકોટ ગામ તરફ જતા માર્ગની હાલત દયનીય બની છે. વરસાદી પાણીના કારણે સમગ્ર માર્ગ કાદવ અને કીચડથી ભરાઈ જતાં રસ્તો ક્યાં છે તે ઓળખી શકાય તેમ નથી. આ રસ્તા પરથી પસાર થતા કોલેજોના વિદ્યાર્થીઓને દૈનિક ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વિશેષ કરીને ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ અને લાભુભાઈ ત્રિવેદી કોલેજ જવા માટેનો મુખ્ય રસ્તો આ જ છે. રસ્તા પર જગ્યા જગ્યા 2-2 ફૂટ ઊંડા કાદવ ભરેલા ખાડા બનતાં વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા છે. આવા રોડ પર ચાલીને જવું પણ મુશ્કેલ બન્યું છે.
આ સંજોગોમાં મનપાના શાસકોના સ્માર્ટ સિટી ના દાવાઓ સામે આવા રસ્તાઓ વાસ્તવિકતા છતી કરી રહ્યાં છે. રસ્તાની જર્જરિત સ્થિતિને કારણે વાહનચાલકો અને રાહદારીઓના અકસ્માતો વધ્યા છે, જે તાત્કાલિક ધ્યાને લેવાય તેવી વ્યાપક માંગણી ઉઠી છે.
વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહેવાસીઓએ મનપા તંત્ર પાસે તાત્કાલિક ધોરણે રસ્તાની મરામત કરવા માંગ કરી છે, જેથી અકસ્માતોની ઘટનાઓ અટકાવી શકાય અને જનતાને રાહત મળી શકે.
