સાવરકુંડલામાં ડૂબી જવાથી બે બાળકોના મોત

આજે સાવરકુંડલા ખાતે આકાશી મેલડી મંદિર નજીક આવેલા ભેંસણીયા ડેમમાં એક દુ:ખદ ઘટના બની, જેમાં નહાવા ગયેલા ત્રણ બાળકોમાંથી બે બાળકો ડૂબી જવાના કારણે મૃત્યુ…

આજે સાવરકુંડલા ખાતે આકાશી મેલડી મંદિર નજીક આવેલા ભેંસણીયા ડેમમાં એક દુ:ખદ ઘટના બની, જેમાં નહાવા ગયેલા ત્રણ બાળકોમાંથી બે બાળકો ડૂબી જવાના કારણે મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે.

આ ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં બે બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા અને 108 એમ્બ્યુલન્સ મારફતે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવેલ ત્રણ બાળકોમાંથી એક બાળક, મોહિત મનીષભાઈ સોલંકી (ઉ.વ. 13), નો આબાદ બચાવ થયો છે. જયારે કૃણાલ અશ્વિનભાઈ સોલંકી (ઉ.વ. 14)નું મૃત્યુ નિપજ્યુ હતુ. કૃણાલના માતા-પિતાનું એકનું એક સંતાન હતું. તેના પિતા કડિયા કામ કરે છે. કૃણાલ આવતીકાલે ધોરણ 9માં ભણવા માટે મોટા લીલીયા જવાનો હતો. આ ઘટનાથી આઘાત પામેલા કૃણાલના ફઈએ પોતાના માથા પર પથ્થર મારીને ઈજા કરી, જેના કારણે તેઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. જયારે મોતને ભેટેલા બીજા બાળક મંત્ર રાજદીપભાઈ મસરાણી (ઉ.વ. 10)ના પિતા કેટરિંગનું કામ કરે છે. તેમના પરિવારમાં એક નાની બહેન છે.

ત્રણેય બાળકો સાવરકુંડલાના જેસર રોડ વિસ્તારના રહેવાસી હતા. આ ઘટનાને પગલે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં પરિવારજનો અને સ્થાનિક લોકોનું રુદન ભર્યું વાતાવરણ સર્જાયું હતું. પરિવારજનોના આ દુ:ખદ નુકશાનથી સમગ્ર સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *