પુરુષોત્તમ માસના પ્રથમ દિવસે દ્વારકાની ગોમતી નદીમાં રાજકોટનાં બે ભાઈઓ ડુબ્યા, એક લાપત્તા

પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે પુરુષોત્તમ માસના પ્રથમ દિવસે એક દુખદ ઘટના સામે આવી છે. ગોમતી ઘાટ વિસ્તારમાં ન્હાવા માટે ઉતરેલા રાજકોટના બે યુવકો પૈકી એક…

પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે પુરુષોત્તમ માસના પ્રથમ દિવસે એક દુખદ ઘટના સામે આવી છે. ગોમતી ઘાટ વિસ્તારમાં ન્હાવા માટે ઉતરેલા રાજકોટના બે યુવકો પૈકી એક યુવકને સ્થાનિક લોકોએ સમયસૂચકતા દાખવી બચાવી લીધો હતો, જ્યારે અન્ય એક યુવક પાણીમાં ગરકાવ થતાં તેની શોધખોળ માટે તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

દ્વારકા ખાતે દ્વારકાધીશના દર્શનાર્થે દરરોજ હજારો શ્રદ્ધાળુઓ દ્વારકા આવતા હોય છે. પરંપરા મુજબ ભક્તો સૌપ્રથમ પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરીને બાદમાં જગત મંદિરમાં દર્શન માટે જતા હોય છે. છેલ્લા કેટલાક દિવસોથી દરિયામાં કરંટ અને મોજાંનો પ્રભાવ વધતા ગોમતી નદીમાં પણ પાણીનું દબાણ વધારે જોવા મળી રહ્યું છે. આ પરિસ્થિતિ વચ્ચે ગઈકાલે રવિવારે સવારે આશરે 8:30 વાગ્યે રાજકોટથી આવેલા એક પરિવારના બે યુવાનો ગોમતી નદીમાં સ્નાન કરવા ઉતર્યા હતા. દરમિયાન પાણીના તેજ પ્રવાહમાં બંને યુવકો તણાવા લાગ્યા હતા.

ઘટનાસ્થળે હાજર સ્થાનિક ફોટોગ્રાફર તેમજ અન્ય લોકોએ તાત્કાલિક હિંમત દાખવી એક યુવકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. જોકે અન્ય એક યુવક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ પાણીમાં ગુમ થયેલો યુવક વિશાલ પરમાર, (ઉ.વ. 21) હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટનાની જાણ થતા નગરપાલિકાની ફાયર ટીમ, પોલીસ તંત્ર તેમજ સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને યુવકની શોધખોળ માટે સઘન કામગીરી શરૂૂ કરવામાં આવી હતી. ગોમતી ઘાટ વિસ્તારમાં ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી અને મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *