પડધરીના તડઘરીમાં 15 વર્ષ પૂર્વે કરેલી છેડતી મામલે માથાકૂટ, બે ભાઈઓ ઉપર હુમલો

ચાર દિવસ પહેલાં થયેલ ઝઘડામાં છ શખ્સોનો બે ભાઈઓ પર સશસ્ત્ર હુમલો પડધરીના તડઘરી ગામે હોટેલે ચા પિતા બે ભાઈઓ પર છ શખ્સોએ સશસ્ત્ર હુમલો…

ચાર દિવસ પહેલાં થયેલ ઝઘડામાં છ શખ્સોનો બે ભાઈઓ પર સશસ્ત્ર હુમલો

પડધરીના તડઘરી ગામે હોટેલે ચા પિતા બે ભાઈઓ પર છ શખ્સોએ સશસ્ત્ર હુમલો કરતા બન્નેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પંદર વર્ષ પૂર્વે આરોપીએ કરેલી છેડતી અને ચાર દિવસ પૂર્વે થયેલી ટેલિફોનિક વાતચીતનો ખાર રાખી કરવામાં આવેલ હુમલાના બનાવમાં પડધરી પોલિસે રાયોટ, હુમલા સહીતની કલમો હેઠળ છ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવ અંગે પડધરીના તડઘરી ગામે નાલાનગર વિસ્તારમાં રહેતા અને ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા 37 વર્ષીય યુવાન જગદીશભાઈ હીરાભાઈ ઝાપડાએ આરોપી તરીકે કૌટુંબિક ભાઈ ઘેલા વિશા ઝાપડા, જીવણ વિશા ઝાપડા, વિશા અણદા ઝાપડા, મેરૂૂ અણદા ઝાપડા, કાના મેરુ ઝાપડા અને હકુ મોમ ઝાપડાનું નામ આપતાં પડધરી પોલિસ હુમલો, રાયોટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરના ચારેક વાગ્યે તે અને તેનો ભાઈ ખોડાભાઈ ચા પીવા માટે તરઘડી ગામેં આવેલ નાગબાઈ હોટલે ગયેલ હતા.

ત્યાં ચા પીતી વેળાએ એક સફેદ કલરની હોન્ડા સિટી કારમાં આરોપીઓ લાકડી લઈને આવેલ હતા. જયારે કાના મેરૂૂ ઝાપડા બાઈક પર લાકડી લઈને આવેલ હતો. ત્યારે જીવણ અને તથા ગેલાભાઈએ બંને ભાઈઓને કહેલ કે, છાપરા નીચેથી બહાર આવતા રહો. જેથી યુવાને કહ્યું કે અમે અહીં ઊભા છીએ તમારે જે કરવું હોય તે કરી લ્યો. બાદ પાંચેય શખ્સો લાકડી વડે બંને ભાઈઓને માર મારવા લાગેલ હતા. દરમિયાન ઘેલાભાઈએ ભાઈ ખોડાભાઈને પકડી રાખેલ જયારે અન્ય શખ્સોને બેફામ લાકડી વડે માર મારવા લાગેલ હતા. જેથી યુવાને કહેલ કે, અમને મારી જ નાખો. બાદ તમામ શખ્સો ગાળો આપી કહેવા લાગેલ કે, આજે રહી ગયા છો, બાકી ગમે તે દી’ મારી જ નાખશું. દરમિયાન હોટલ પર હાજર લોકોએ વધુ મારથી બચાવેલ હતા.

જે બાદ તમામ હુમલાખોરો કાર અને બાઈક લઈને નાસી ગયેલ હતા. હુમલાને પગલે હાથના બાવળા ઉપર લોહી નીકળતું હોય અને ભાઈને શરીરે મૂઢ ઇજા થયેલ હોય બંને પડધરી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડેલ હતા. મામલામાં યુવાને ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, પંદરેક વર્ષ પહેલાં ઘેલા ઝાપડાએ મારી પત્નીની છેડતી કરેલ હોય જેથી બોલાચાલી થયેલ હતી. જે બાદ કોઈ વ્યવહાર ન હતો. ઉપરાંત ઘેલાભાઈ યુવાનના પિતા હીરાભાઈની ચડામણી કરતા હોય જેના લીધે ઘરમાં માથાકુટ થતી હોય છે. જેથી ભાઈ ખોડાભાઈએ ચારેક દિવસ પહેલા ઘેલાભાઈને ફોન કરીને કહેલ હોય કે, હવે તમે અમારા ઘરે ન આવતા તમારા કારણે અમારા ઘરમાં માથાકુટ થઈ છે તેવું જણાવેલ હતું. જેના કારણે આ હુમલો કરવામાં આવ્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *