પારિવારિક ઝઘડામાં બે સગા ભાઈઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
જામ કંડોરણા તાલુકાના ચરેલ ગામે પ્રેમ સંબંધની ખોટી અફવા ફેલાવવા બાબતે થયેલી બોલાચાલીમાં બે ભાઈઓ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે મયુરધ્વજસિંહ ઉર્ફે શક્તિસિંહ જાડેજાએ ગામના જ બે શખ્સો સામે જામ કંડોરણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ઘટનાની મળતી વિગત મુજબ મયુરધ્વજસિંહ ચંદુભા જાડેજાએ નોંધાવેલી ફરિયાદીમાં જણાવ્યા અનુસાર, આરોપી વિશ્વજીતસિંહ જાડેજાના પત્ની સુનીતાબાએ એવી અફવા ફેલાવી હતી કે ફરિયાદીના પત્ની મીનાબા અને ફરિયાદીના નાના ભાઈ દિગ્વીજયસિંહ વચ્ચે આડા સંબંધો છે. આ બાબતે ફરિયાદીએ વિશ્વજીતસિંહને ફોન કરીને પોતાની પત્નીને સમજાવવા અને ખોટી અફવાઓ ન ફેલાવવા વિનંતી કરી હતી.
જોકે, આ વાતચીત બાદ ગત તારીખ 28/04/2026ના રોજ રાત્રિના આશરે સાડા અગિયાર વાગ્યાના અરસામાં વિશ્વજીતસિંહે ફરિયાદીને ફોન કરી તેના ભાઈને ઘરની બહાર બોલાવ્યો હતો. ફરિયાદી અને તેનો ભાઈ ઘરની બહાર નીકળતા જ ત્યાં હાજર વિશ્વજીતસિંહ અને તેના મોટા ભાઈ વાસુદેવસિંહ જાડેજાએ ગાળાગાળી શરૂ કરી હતી. જ્યારે ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડી, ત્યારે વાસુદેવસિંહ ઉશ્કેરાઈ ગયા હતાં અને ફરિયાદીને ઢીકા-પાટુનો માર મારવા લાગ્યા હતા. હુમલા દરમિયાન વાસુદેવસિંહે પોતાના હાથમાં પહેરેલું કડુ ફરિયાદી મયુરધ્વજસિંહના માથાના ભાગે કાન ઉપર ઝીંકી દીધું હતું, જેના કારણે તેમને ગંભીર ઈજા થઈ હતી.
આ દેકારો સાંભળી ફરિયાદીના પત્ની વચ્ચે પડતા આરોપીઓએ તેમને પણ પાટું મારી ઈજા પહોંચાડી હતી. આસપાસના લોકો એકઠા થઈ જતાં બંને આરોપીઓ “જો હવે ક્યાંય મળ્યા તો જીવતા રહેવા દેવા નથી” તેવી જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત મયુરધ્વજસિંહને તાત્કાલિક જામ કંડોરણા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે વાસુદેવસિંહ મહાવીરસિંહ જાડેજા અને વિશ્વજીતસિંહ મહાવીરસિંહ જાડેજા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
