નિવૃત્ત શિક્ષક દંપતીની 20 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી રૂ.1.14 કરોડ પડાવનાર વધુ બે પકડાતા કુલ ધરપકડનો આંક 16 થયો
રાજકોટમાં જુના એરપોર્ટ રોડ પર પત્રકાર સોસાયટી નજીક આવેલ એક્જાનગર સોસાયટીમાં રહેતા નિવૃત શિક્ષક કુરબાનભાઈ વલીજીભાઈ બદામી (ઉ.વ.76)ને ગત તા. 29 ઓક્ટોબરના ફોન કરી તેમના ફોનનો ઉપયોગ ચાઈલ્ડ પોર્નો ગ્રાફી, ઓનલાઈન ગેંબલીગ તથા સાયબર આંતકવાદમાં ઉપયોગ થયાનો ડર દેખાડી વિદેશ રહેતી બન્ને પુત્રીઓને ડિપોર્ટ કરવાની ધમકી આપી રૂૂ.1.14 કરોડા પડાવ્યા હતા.
આ મામલે રાજકોટ સાઈબર ક્રાઈમની ટીમ તપાસ અર્થે અન્ય રાજ્યમાં દોડી ગઈ હતી જ્યાંથી આ કેસમાં સંડોવાયેલા 14 શખ્સોને ઉઠાવી લીધા હતા. પોલીસે કમિશનથી બેન્ક એકાઉન્ટ ભાડે આપનાર જેતપુરના સુજલ નામના શખ્સની ધરપકડ કરી વધુ તપાસ કરતા ડિજિટલ એરેસ્ટથી સાયબર ગઠિયાઓ દ્વારા વૃદ્ધ પાસેથી મેળવેલ રકમ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હોવાનું સામે આવ્યું હતું.
જેમાં રાજકોટ સાઈબર ક્રાઈમની ટીમે હરીયાણા કર્નાલના સાની મહોલ્લા ચારુ બજાર, રાજીવ હોસ્પીટલ પાસે રહેતા શંકર સોહનલાલ અને કર્નાલ સેક્ટર 12માં રહેતા યશ બેંક સેલ્સ ઓફીસર શુભમ રઘુવીરસિંઘની ધરપકડ કરતા આ મામલે કુલ ધરપકડનો આંક 16 થયો છે. તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી શુભમ રઘુવીરસિંઘ જે યસ બેંકમા સેલ્સ ઓફીસર તરીકે ફરજ બજાવતા હોય તેણે અન્ય આરોપી શંકર સોહનલાલ રાજપુતના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવેલ છે જે બેંક એકાઉન્ટમા નિવૃત શિક્ષક કુરબાનભાઈ વલીજીભાઈ બદામી સાથે થયેલ સાયબર ફ્રોડના 1 કારોડ રૂૂપીયા ટ્રાન્સફર કરાવી આપ્યા હતા. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગરીયા,ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા,ઇન્ચાર્જ એસીપી ભરત બસીયાની સુચના અન્વયે સાઈબર ક્રાઈમના સીનીયર પી.આઈ જે.એમ કૈલાના માર્ગદર્શન હેઠળ પી.આઈ એમ.એ.ઝણકાત, આર.જી. પઢીયાર, એ.એસ.આઇ. વિવેકભાઇ એન. કુછડીયા, હેડ કોન્સટેબલ શિવભદ્રસિંહ જાડેજાએ કામગીરી કરી હતી.
