જામનગરમાં ખોડીયાર કોલોની નજીક મયુર નગર વિસ્તારમાં રહેતા એક વાણંદ યુવાનને માર મારી રોકડ રકમની લૂંટ ચલાવાઇ હતી, જે લૂંટ ની ઘટનાનો ભેદ એલસીબીની ટુકડીએ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે, અને જામનગરના બે નામચીન લૂંટારું શખ્સોને ઝડપી લીધા છે, જેના ત્રીજા સાગરીત ની શોધખોળ હાથ ધરી છે.
જામનગરમાં યાદવ નગર વિસ્તારમાં રહેતા અને વાણંદ કામ કરતા રમેશ દિનેશભાઈ જગતિયા, કે જે ગઈકાલે મયુર નગર વિસ્તારમાંથી રાત્રિના 11.30 વાગ્યાના અરસામાં પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન ત્રણ અજાણ્યા શખ્સોએ આવીને તેને મારઝુડ કરી હતી, અને હાથમાં છરી વડે હુમલો કરી દીધો હતો, તેમજ તેના ખિસ્સા માંથી રૂૂપિયા 1,800 ની રોકડ રકમ સાથેનું પાકી ઝુંટવી લઈ ભાગી છુટ્યા હતા.
જે બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતાં એલસીબીની ટુકડીઓ તપાસમાં ઝુકાવ્યું હતું. ચોક્કસ માહિતી ના આધારે એલસીબી ની ટીમે જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા અલબાઝ ફારુકભાઈ કટારીયા તેમજ વાઘેર વાસ માં રહેતા મોઈન સબીરભાઈ નામના બે શખ્સોને અટકાયતમાં લઈ લીધા છે, જ્યારે તેઓની સાથે સંકળાયેલા મિતેષ સાગઠીયા કે જે ભાગી છૂટ્યો હોવાથી પોલીસ તેને શોધી રહી છે. એલસીબી ની ટુકડીએ પકડાયેલા બંને આરોપીઓ પાસેથી રૂૂપિયા 1,800 ની રોકડ રકમ, એક મોબાઈલ ફોન અમે છરી વગેરે કબજે કરી લીધા છે. બંને આરોપીઓ પૈકી અલબાઝ સામે જામનગરના જુદા જુદા પોલીસ મથકમાં નવ જેટલા લૂંટ ચોરી સહિતના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસ તેના ત્રીજા સાગ્રીતને શોધી રહી છે.
