શાંતિ કરારની વાતો વચ્ચે ટ્રમ્પનો ઇરાન ઉપર નવો હુમલો

ઇરાનની બે બોટસ અને મિસાઇલ લોન્ચ સાઇટ ઉડાવી દીધી, યુદ્ધની ચિનગારી ફરી ભડકવાના એંધાણ મિડલ ઈસ્ટમાં જ્યારે પણ એવું લાગે કે હવે શાંતિ સ્થપાશે, ત્યારે…

ઇરાનની બે બોટસ અને મિસાઇલ લોન્ચ સાઇટ ઉડાવી દીધી, યુદ્ધની ચિનગારી ફરી ભડકવાના એંધાણ

મિડલ ઈસ્ટમાં જ્યારે પણ એવું લાગે કે હવે શાંતિ સ્થપાશે, ત્યારે જ કંઈક એવું બને છે જે આખી દુનિયાને ચોંકાવી દે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે અત્યારે સીઝફાયર ચાલી રહ્યો છે અને પડદા પાછળ શાંતિ વાટાઘાટોના પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ, આ દરમિયાન જ હોર્મુઝની ખાડી નજીક થયેલા જોરદાર વિસ્ફોટોએ સાબિત કરી દીધું છે કે આ શાંતિ માત્ર કાચની દીવાલ જેવી છે, જે ગમે ત્યારે તૂટી શકે છે.

અમેરિકાના સૈન્યની સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ગઇકાલે દક્ષિણ ઈરાનમાં હવાઈ હુમલા કર્યા છે. આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલ અનુસાર ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સની બે બોટ્સ ’સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માં દરિયાઈ માઈન્સ બિછાવી રહી હતી. અમેરિકાને જેવી આ વાતની જાણ થઈ, તેમણે તુરંત જ જવાબી કાર્યવાહી કરી અને બંને બોટ્સને પાણીમાં જ ગરકાવ કરી દીધી.

બીજી તરફ, ઈરાનના બંદર અબ્બાસ ખાતે આવેલી સરફેસ-ટુ-એર મિસાઈલ સાઈટ પરથી અમેરિકી ફાઈટર જેટ્સને ટાર્ગેટ બનાવવાનો પ્રયાસ કરાયો હતો. અમેરિકાએ બિલકુલ મોડું કર્યા વિના આખી મિસાઈલ લોન્ચ સાઈટને બોમ્બમારો કરીને નષ્ટ કરી દીધી છે.

અમેરિકાનો દાવો છે કે આ હુમલા આત્મરક્ષામાં કરવામાં આવ્યા છે. સોમવારે દક્ષિણ ઈરાનના તટીય વિસ્તારોમાં એકપછી એક અનેક પ્રચંડ ધડાકા સંભળાયા હતા, જેનાથી સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. અમેરિકાના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હાલ પૂરતી આ લશ્કરી કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે અને તેનો હેતુ માત્ર પોતાના સૈનિકોનું રક્ષણ કરવાનો હતો, સીઝફાયર તોડવાનો નહીં.

આ સૈન્ય હુમલા પાછળ માત્ર લશ્કરી કારણો નથી, તેની પાછળ ડોનાલ્ડ ટ્રમ્પની કડક વિદેશ નીતિ અને રાજદ્વારી દબાણ પણ કામ કરી રહ્યું છે. એકતરફ અમેરિકા હુમલા કરી રહ્યું છે, તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ટ્રુથ સોશિયલ’ પર ઈરાન સામે એક કડક શરત મૂકી દીધી છે. ટ્રમ્પે ઈરાનના સંવર્ધિત યુરેનિયમને “ન્યૂક્લિયર ડસ્ટ” ગણાવીને અલ્ટીમેટમ આપ્યું છે કે ઈરાને તેનો તમામ જથ્થો કાં તો અમેરિકાને સોંપી દેવો પડશે અથવા આંતરરાષ્ટ્રીય દેખરેખ હેઠળ તેનો નાશ કરવો પડશે.

ટ્રમ્પનો પ્લાન માત્ર ઈરાનને દબાવવાનો નથી, પરંતુ તેઓ ’અબ્રાહમ એકોર્ડ્સ’નો પણ મોટો વિસ્તાર કરવા માંગે છે. તેઓ ઈચ્છે છે કે ભવિષ્યના પ્રાદેશિક શાંતિ માળખામાં ઈરાન પોતે પણ સામેલ થાય, પરંતુ તે પહેલાં ઈરાને પોતાના પરમાણુ હથિયારો બનાવવાનો મોહ છોડવો પડશે.

કિવ શહેર તાત્કાલિક ખાલી કરવા રશિયાનું અલ્ટિમેટમ
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, રશિયાએ કિવમાં યુક્રેનિયન સંરક્ષણ માળખા પર “સતત અને વ્યવસ્થિત હુમલા” કરવાની ધમકી આપી છે. રશિયન વિદેશ મંત્રાલયે વિદેશી નાગરિકોને તાત્કાલિક શહેર છોડી દેવાની સલાહ આપી છે. અલ જઝીરાના અહેવાલ મુજબ, સ્ટારોબિલ્સ્કમાં યુક્રેનના સૌથી ઘાતક ડ્રોન હુમલા બાદ મોસ્કોએ આ ચેતવણી આપી હતી, જેમાં 18 લોકો માર્યા ગયા હતા. રશિયન વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “રશિયન સશસ્ત્ર દળો કિવમાં યુક્રેનિયન સંરક્ષણ ઉદ્યોગ સાહસો પર સતત અને વ્યવસ્થિત હુમલાઓ કરી રહ્યા છે, જેમાં ડ્રોન ડિઝાઇન, ઉત્પાદન, પ્રોગ્રામિંગ અને ઓપરેશન માટે તૈયાર કરવા માટેની વિશેષ સુવિધાઓનો સમાવેશ થાય છે. કિવ સરકાર આ ડ્રોનને નાટો નિષ્ણાતોની મદદથી તૈનાત કરે છે જેઓ ઘટકો, જાસૂસી અને લક્ષ્યીકરણ ડેટા પ્રદાન કરે છે.” વિદેશ મંત્રાલય વિદેશી નાગરિકોને શહેર છોડી દેવા અને નાગરિકોને લશ્કરી અને વહીવટી માળખાકીય સુવિધાઓનો સંપર્ક ટાળવા વિનંતી કરે છે. આ સુવિધાઓ સમગ્ર કિવમાં ફેલાયેલી હોવાથી, અમે રાજદ્વારી મિશન અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના કર્મચારીઓ સહિત વિદેશી નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે શહેર છોડી દેવાની સૂચના આપીએ છીએ. અમે યુક્રેનિયન રાજધાનીના રહેવાસીઓને ઝેલેન્સકી શાસનના લશ્કરી અને વહીવટી માળખાગત સુવિધાઓનો સંપર્ક ન કરવા વિનંતી કરીએ છીએ. કિવએ તાજેતરના મહિનાઓમાં તેની ડ્રોન યુદ્ધ ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો કર્યો છે અને રશિયન લક્ષ્યો, ખાસ કરીને ઉર્જા માળખા પર હુમલો કરવામાં નોંધપાત્ર સફળતા મેળવી છે.

ઇઝરાયલનો ગાઝા પર ફરી હુમલો, મહિલા-બાળકનું મોત
ગઇકાલે દક્ષિણ ગાઝામાં ઇઝરાયલી હવાઈ હુમલામાં એક પેલેસ્ટિનિયન મહિલા અને એક બાળકનું મોત થયું હતું. આ હુમલામાં એક બાળક ઈજાગ્રસ્ત થયું છે. કુવૈતી ફિલ્ડ હોસ્પિટલના જણાવ્યા અનુસાર, હુમલામાં વિસ્થાપિત પરિવારને આશ્રય આપતા તંબુને નિશાન બનાવવામાં આવ્યો હતો. ઇઝરાયલી સેનાએ દાવો કર્યો છે કે તેમણે આતંકવાદીને નિશાન બનાવ્યો હતો, જોકે આ અંગે વધુ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરના યુદ્ધવિરામ કરાર બાદ પણ ગાઝામાં હિંસા અટકી નથી. અસ્થિર યુદ્ધવિરામ હોવા છતાં ઈઝરાયલ તરફથી લભગભ દરરોજ થતા ગોળીબારને કારણે સ્થિતિ ગંભીર બની રહી છે. જો કે આ ઘટનાએ હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં મૂકી દીધો છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *