શાહબાઝ માથું ઝૂકાવી સૂચના અનુસર્યા, પીસ બોર્ડની મીટિંગમાં પાકની આબરૂની ફજેતી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ સાથે આખી દુનિયા સામે એક જુનિયર જેવો વ્યવહાર કર્યો, તેમને પોતાના જ વખાણ કરતા પાકિસ્તાની પીએમને ઊભા રહેવાનો આદેશ આપ્યો. ટ્રમ્પે બોર્ડ ઓફ પીસની પહેલી બેઠકમાં ફરીથી તે જ જૂઠાણું પુનરાવર્તિત કર્યું છે કે તેમણે 2025ના ભારત-પાકિસ્તાન સૈન્ય તણાવ દરમિયાન બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરી હતી. તેમણે કહ્યું હતું કે જો યુદ્ધ રોકવામાં નહીં આવે તો બંને દેશો પર 200 ટકા ટેરિફ લાગશે. જોકે, ભારતે ગયા વર્ષે મે મહિનામાં થયેલા સૈન્ય સંઘર્ષમાં કોઈ ત્રીજા દેશની મધ્યસ્થી અથવા કોઈ ફાઇટર જેટને નુકસાન થવાના તમામ દાવાઓને સતત નકારી કાઢ્યા છે.
બોર્ડ ઓફ પીસ કાર્યક્રમમાં અન્ય દેશોના નેતાઓ સાથે સામેલ થયેલા પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફ માટે એક અસ્વસ્થ મોમેન્ટ ત્યારે આવી, જ્યારે ટ્રમ્પે પોતાની ખોટી મધ્યસ્થીની વાત કરતા PAK પીએમને ઊભા થવા માટે કહ્યું. ટ્રમ્પે કહ્યું, પાકિસ્તાન અને ભારત. આ મોટો મામલો હતો. મને લાગે છે કે તમારે (શરીફ) ઊભા થવું જોઈએ. ચાલો, ઊભા થઈ જાઓ. પાકિસ્તાન અને ભારત. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ અમેરિકી રાષ્ટ્રપતિએ ફરી કહ્યું કે શરીફે દાવો કર્યો હતો કે ટ્રમ્પે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરાવીને 2.5 કરોડ લોકોનો જીવ બચાવ્યો હતો.
ટ્રમ્પે શરીફને કહ્યું, તમે આ નિવેદન આપ્યું હતું. મેં કહ્યું હતું કે 2.5 કરોડ જીવ, ખરેખર તેનાથી પણ વધુ હોઈ શક્યા હોત, પરંતુ તે ખરેખર ખૂબ સારી વાત હતી. તે યુદ્ધ ભડકી રહ્યું હતું. ફાઇટર જેટ્સ નષ્ટ કરવામાં આવી રહ્યા હતા અને આ યુદ્ધ પાકિસ્તાન અને ભારત વચ્ચે હતું. એટલે કે આ વખતે ટ્રમ્પે અગાઉ કરેલા “1 કરોડ જીવ બચાવવાના પોતાના દાવાને વધુ ચડાવીને રજૂ કર્યો.
ટ્રમ્પે કહ્યું કે તેમણે શાંતિ કરાર કરાવવા માટે ટેરિફ નીતિનો દબાણ તરીકે ઉપયોગ કર્યો. તેમણે કહ્યું, મેં બંને દેશનાં પીએમને ફોન કર્યા. હું તેમને થોડો જાણતો હતો. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ સારી રીતે ઓળખું છું. મેં તેમને કહ્યું કે જો તમે લોકો આ મામલો નહીં ઊકેલો તો હું તમારા બંને સાથે વેપાર કરાર નહીં કરું. અને પછી અચાનક અમે એક મત પર આવી ગયા.
ટ્રમ્પે આગળ કહ્યું, જો તમે લડશો તો હું તમારા બંને દેશો પર 200 ટકા ટેરિફ લગાવી દઈશ. બંને લડવા માંગતા હતા. પરંતુ જ્યારે પૈસાની વાત આવી, ત્યારે તેમણે કહ્યું કે અમે લડવા માંગતા નથી. 11 જેટ વિમાન તોડી પાડવામાં આવ્યા. ખૂબ મોંઘા જેટ. આ પહેલા ટ્રમ્પ દાવો કરી ચૂક્યા હતા કે આ સંઘર્ષમાં સાત જેટ વિમાન તોડી પાડવામાં આવ્યા હતા.
ટ્રમ્પના બોર્ડ ઓફ પીસમાં ભારતની મૂક પ્રેક્ષક રૂપે હાજરી
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગાઝામાં શાંતિ અને પુન:નિર્માણ માટે રચાયેલા ’બોર્ડ ઓફ પીસ’ની પ્રથમ બેઠક ગુરુવારે યોજાઈ હતી. આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં ભારત એક સભ્ય દેશ તરીકે નહીં, પરંતુ ’નિરીક્ષક’ દેશ તરીકે સામેલ થયું હતું. વોશિંગ્ટન ડીસી સ્થિત ભારતીય દૂતાવાસના પ્રભારી રાજદ્વારી નામગ્યા ખમ્પાએ આ બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ટ્રમ્પની આ 20 મુદ્દાની શાંતિ યોજનાનો હેતુ માત્ર ઈઝરાયલ-હમાસ વચ્ચે શાંતિ સ્થાપવાનો જ નહીં, પરંતુ ભવિષ્યમાં વિશ્વભરના સંઘર્ષોને ઉકેલવાનો પણ છે. ગાઝામાં શાંતિ સ્થાપવા માટે શાંતિદૂત જેવા સૈનિકો અને પોલીસો તૈનાત કરવામાં આવશે. ગાઝાના પુન:નિર્માણ માટે આર્થિક સહાયની જાહેરાત કરતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ ખાસ બોર્ડ માટે 10 અબજ અમેરિકન ડોલર ફાળવવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. તેમની આ પહેલને સમર્થન આપતા અન્ય નવ સભ્ય દેશોએ પણ ગાઝા રાહત પેકેજ માટે કુલ 7 અબજ અમેરિકન ડોલર આપવાની સંમતિ આપી છે. આ આર્થિક સંકલ્પમાં સંયુક્ત આરબ એમિરેટ્સ (UAE), સાઉદી અરેબિયા, કતાર અને કુવૈત જેવા મહત્ત્વના દેશોએ પણ સક્રિય રીતે સાથ આપ્યો છે, જે આ ક્ષેત્રમાં સ્થિરતા અને શાંતિ સ્થાપવા માટેના વૈશ્વિક પ્રયાસોને વેગ આપશે.
