અમેરિકાના પ્રમુખ પર થયેલ હુમલાની સ્ટાઇલથી સ્નાઇપરથી ઉડાવી દેવાયા, યુનિવર્સિટીમાં ગન કલ્ચર પર ભાષણ વખતે બનેલી ઘટના, ચાર દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર
આજે એક કાર્યક્રમ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક અને ટાઈટ વિંગ એક્ટિવિસ્ટ ચાર્લી કર્કની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના યુટા રાજ્યની યુટા વેલી યુનિવર્સિટીમાં બની હતી. ચાર્લી અહીં ધ અમેરિકન કમબેક ટૂર કાર્યક્રમ માટે આવ્યો હતો. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં ચાર્લી તંબુ નીચે માઈક પકડીને બોલી રહ્યો હોય તેવું જોવા મળે છે. પછી અચાનક ગળા પાસે ગોળી વાગે છે, ખૂબ લોહી વહેવા લાગે છે અને તે જમીન પર પડી જાય છે.
ચાર્લીની હત્યા પર ટ્રમ્પે એક પર્સનલ સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્રુથ પર લખ્યું છે કે, સાચા મહાન અમેરિકન દેશભક્ત ચાર્લી કર્કના સન્માનમાં, હું અમેરિકામાં તમામ ઝંડાઓને રવિવારે સાંજે 6 વાગ્યા સુધી અડધી કાઠીએ લહેરાવવાનો આદેશ આપી રહ્યો છું.
પાલિટિકલ એક્ટિવિસ્ટ ચાર્લી ટર્નિંગ પોઈન્ટ યુએસએ નામનું સંગઠન ચલાવતો હતો, જેમાં તે શાળાઓ અને કોલેજોમાં જતો હતોઅને વિદ્યાર્થીઓને રાજકારણ વિશે કહેતો હતો. તેને ટ્રમ્પનો કટ્ટર સમર્થક પણ માનવામાં આવતો હતો. હુમલાખોર કોણ હતો અને તેણે આવું કેમ કર્યું તે હજુ સુધી સ્પષ્ટ નથી.
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના અંગત સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્રુથ પર લખ્યું, મહાન અને ખરેખર દિગ્ગજ, ચાર્લી કર્ક હવે આ દુનિયામાં નથી. અમેરિકાના યુવાનોને તેમનાથી વધુ સારી રીતે કોઈ સમજી શક્યું નથી અને ન તો કોઈ તેમના દિલ સુધી પહોંચી શક્યું છે. બધા તેમને ખૂબ પ્રેમ અને આદર આપતા હતા, ખાસ કરીને હું. મેલાનિયા અને હું તેમની પત્ની એરિકા અને સમગ્ર પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. ચાર્લી, અમે તમને પ્રેમ કરીએ છીએ!
ઘટના સમયે સ્થળ પર હાજર કેટલાક લોકોએ ન્યૂઝ સાઇટ ગાર્ડિયનને જણાવ્યું હતું કે ચાર્લીને સામૂહિક ગોળીબાર વિશે પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા હતા ત્યારે ગોળી મારી દેવામાં આવી હતી.
ઉટાહ વેલી યુનિવર્સિટી કેમ્પસ બંધ કરી દેવામાં આવ્યું છે. યુનિવર્સિટીના પ્રવક્તા એલન ટ્રેનરે ન્યૂ યોર્ક ટાઇમ્સને જણાવ્યું હતું કે ચાર્લીને લગભગ 180 મીટર દૂર એક ઇમારતમાંથી ગોળી મારી દેવામાં આવી હતી. તેમણે એમ પણ કહ્યું કે અગાઉ એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો, પરંતુ તે હુમલો કરનાર નહોતો. આ કેસમાં હજુ સુધી હુમલાખોરની ધરપકડ કરવામાં આવી નથી. હાલમાં ચાર એજન્સીઓ આ કેસની તપાસ કરી રહી છે.
અગાઉ 13 જુલાઈ 2024ના રોજ પેન્સિલવેનિયામાં ચૂંટણી રેલી દરમિયાન અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો થયો હતો. 20 વર્ષીય હુમલાખોરે 400 ફૂટ દૂરથી 8 રાઉન્ડ ગોળીઓ ચલાવી હતી. આમાંથી એક ગોળી ટ્રમ્પના જમણા કાનમાં વાગી ગઈ હતી. આ પછી ટ્રમ્પની સુરક્ષા અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા હતા.
અમેરિકા માટે કાળો દિવસ, કોઇને છોડવામાં નહીં આવે: ટ્રમ્પ કાળઝાળ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે તેમના નજીકના સહાયક અને ક્ધઝર્વેટિવ પાર્ટીના કાર્યકર ચાર્લી કિર્કની હત્યાને દેશ માટે કાળો દિવસ ગણાવ્યો અને તેમને સાચા શહીદ ગણાવ્યા. ટ્રમ્પે આ ઘટના માટે કટ્ટરપંથી ડાબેરીઓના વાણી-વર્તનને જવાબદાર ઠેરવ્યો અને રાજકીય હિંસા કરનારાઓ સામે કડક કાર્યવાહીની જાહેરાત કરી. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર જાહેર કરાયેલા એક વીડિયો સંદેશમાં ટ્રમ્પે કહ્યું, વર્ષોથી, કટ્ટરપંથી ડાબેરીઓ ચાર્લી જેવા મહાન અમેરિકનોની તુલના નાઝીઓ અને ગુનેગારો સાથે કરતા આવ્યા છે. આ પ્રકારની દ્વેષપૂર્ણ વાણી-વર્તણે અમેરિકામાં આતંકવાદને જન્મ આપ્યો છે અને તે હવે બંધ થવો જોઈએ. તેમણે કહ્યું કે કિર્કની હત્યા નિંદનીય અને ભયાનક છે. કિર્કે કહ્યું, આજે હું ખાતરી કરીશ કે આ જઘન્ય ગુના અને અન્ય રાજકીય હિંસામાં સામેલ દરેક વ્યક્તિ અને સંગઠનને શોધી કાઢવામાં આવે અને તેને કડક સજા આપવામાં આવે. ટ્રમ્પે દેશવાસીઓને અભિવ્યક્તિની સ્વતંત્રતા, નાગરિકતા અને કાયદાના શાસન, તે મૂલ્યોનું રક્ષણ કરવા અપીલ કરી જેના માટે કિર્ક જીવ્યા અને પોતાનું જીવન બલિદાન આપ્યું.
