ઇરાન સાથે યુદ્ધ ભડકાવી ટ્રમ્પે પાવડા મારીને નફો ર્ક્યો: ડિસ્ક્લોઝરમાં ખુલાસો

21000થી વધુ વખત શેરબજારમાં સોદા કર્યા, અમેરિકાની નીતિ બદલાય ત્યારે જ 25 ટકાથી વધુ ટ્રેડ; વિશ્ર્વભરમાં ચકચાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નાણાકીય જાહેરાત અહેવાલ (ફાઇનાન્સિયલ…

21000થી વધુ વખત શેરબજારમાં સોદા કર્યા, અમેરિકાની નીતિ બદલાય ત્યારે જ 25 ટકાથી વધુ ટ્રેડ; વિશ્ર્વભરમાં ચકચાર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નાણાકીય જાહેરાત અહેવાલ (ફાઇનાન્સિયલ ડિસ્ક્લોઝર)માં એક મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. આ સત્તાવાર અહેવાલ અનુસાર, વર્ષ 2025 દરમિયાન ટ્રમ્પના ખાતાઓમાંથી 21,000થી વધુ સિક્યોરિટીઝના ટ્રેડ્સ (ખરીદી-વેચાણ) કરવામાં આવ્યા હતા. આ તમામ વ્યવહારોનું કુલ નાણાકીય મૂલ્ય આશરે 600 મિલિયન ડોલર (60 કરોડ ડોલર)થી 1.86 બિલિયન ડોલર (1.86 અબજ ડોલર)ની વચ્ચે હોવાનું સામે આવ્યું છે.

આ અહેવાલ સાર્વજનિક થતાં જ વોચડોગ ગ્રુપ્સ અને વિરોધ પક્ષો દ્વારા ટ્રમ્પ પર રાષ્ટ્રપતિ પદનો દુરુપયોગ કરીને અયોગ્ય નફો મેળવવાનો ગંભીર આક્ષેપ મૂકવામાં આવી રહ્યો છે. કારણ કે આમાંની ઘણી ખરીદીઓ એવી મોટી કંપનીઓની છે જે ફેડરલ ગવર્નમેન્ટ (સરકાર) સાથે સીધો વ્યાપારિક સંબંધ ધરાવે છે.
રિપોર્ટના વિશ્ર્લેષણ પ્રમાણે ટ્રમ્પે માર્કેટના દરેક કામકાજના દિવસે સરેરાશ 85 ટ્રેડ્સ કર્યા છે. સમગ્ર વર્ષ 2025 દરમિયાન થયેલા કુલ ટ્રેડિંગના 25 ટકા જેટલા વ્યવહારો માત્ર 10 દિવસના ગાળામાં જ એક્ઝિક્યુટ કરવામાં આવ્યા હતા. આમાંના મોટાભાગના ટ્રેડ્સ વોલ સ્ટ્રીટમાં સર્જાયેલી ભારે અસ્થિરતા દરમિયાન થયા હતા, જે ટ્રમ્પ દ્વારા સરકારની મહત્વની નીતિઓમાં ફેરફારની જાહેરાત કર્યા બાદ જોવા મળી હતી.

ટ્રમ્પના અલગ-ઢ્ઢલગ 8 ટ્રેડિંગ એકાઉન્ટ્સમાં પણ ભારે વિરોધાભાસ જોવા મળ્યો છે. આશરે 200થી વધુ કિસ્સાઓમાં એક જ દિવસે એક ખાતામાં કોઈ ચોક્કસ સ્ટોક ખરીદવામાં આવ્યો હોય અને તે જ દિવસે બીજા ખાતામાં તે સ્ટોક વેચી દેવામાં આવ્યો હોય. અહેવાલમાં એ પણ જાહેર કરવામાં આવ્યું છે કે ટ્રમ્પે વર્ષ 2025માં ક્રિપ્ટોકરન્સી અને મેમકોઇન સંબંધિત વ્યવસાયોમાંથી ઓછામાં ઓછી 1.4 અબજ ડોલરની કમાણી કરી છે.
આ ગંભીર આક્ષેપો અંગે પત્રકારોના પ્રશ્નોનો જવાબ આપતાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ કમાણીને સામાન્ય ગણાવી હતી અને જણાવ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા તે પહેલાં જ ખૂબ સમૃદ્ધ હતા. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, હું જાણીજોઈને નાણાંનું સંચાલન કરનારા કોઈપણ લોકો સાથે ક્યારેય વાત કરતો નથી. તેઓ મોટી સંસ્થાઓમાં છે અને તેમને જ્યાં યોગ્ય લાગે ત્યાં રોકાણ કરે છે. મારી કમાણીનું એકમાત્ર કારણ એ છે કે અત્યારે શેરબજાર સતત ઉપર જઈ રહ્યું છે.

વ્હાઇટ હાઉસના પ્રવક્તા અન્ના કેલીએ પણ આ અંગે નિવેદન આપતાં જણાવ્યું કે ટ્રમ્પના રોકાણો સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે મેનેજ થાય છે અને આમાં હિતોનો કોઈ ટકરાવ નથી. ટ્રમ્પના પુત્ર અને ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ એરિક ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર પોસ્ટ કરતાં જણાવ્યું કે આ તમામ અસ્ક્યામતો ‘બ્લાઇન્ડ ટ્રસ્ટ’ હેઠળ રાખવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે ટ્રમ્પ પરિવારના કોઈપણ સભ્યની મરજીથી વ્યક્તિગત સ્ટોક્સ ખરીદવામાં કે વેચવામાં આવી રહ્યા છે તેવો સંકેત આપવો એ સંપૂર્ણપણે જૂઠું અને પાયાવિહોણું છે.

અહેવાલ મુજબ ટ્રમ્પની કુલ બિન-રોકડ રોકાણ અસ્ક્યામતોનો દસમો હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ્સ અને એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ઊઝઋત) જેવા વિવિધતાભર્યા ફંડ્સમાં રોકાયેલો છે. તેમના ટોચના સ્ટોક હોલ્ડિંગ્સમાં એપલ, એનવીડિયા, બ્રોડકોમ, માઇક્રોસોફ્ટ અને ટેસ્લા જેવા જઙ 500 ઇન્ડેક્સના અગ્રણી શેરો સામેલ છે. કુલ ટ્રેડ્સમાંથી આશરે અડધા વ્યવહારો 1,001 ડોલરથી 15,000 ડોલરની નીચલી રેન્જના હતા.
ખાસ કરીને ટ્રમ્પના વ્યાપાર અને ટેરિફ સંબંધિત નીતિગત નિર્ણયોની જાહેરાતો બાદ ટ્રેડિંગમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. આ આક્ષેપો અને વિવાદ વચ્ચે વ્હાઇટ હાઉસે તમામ આરોપોને નકારી કાઢ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *