પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધમાં નવો વળાંક આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને યુદ્ધ સમાપ્ત કરવા માટે 15-પોઈન્ટ સીઝફાયર પ્રસ્તાવ મોકલ્યો હતો. આ પ્રસ્તાવમાં ઈરાને પોતાનું ન્યુક્લિયર પ્રોગ્રામ છોડવું, બેલિસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ પર અંકુશ મૂકવો અને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવું જેવી મુખ્ય શરતો સામેલ હતી. સાથે જ સેંક્શન્સમાં રાહત આપવાનું વચન પણ આપવામાં આવ્યું હતું.
ઈરાને આ અમેરિકી પ્રસ્તાવને વધારે પડતો અને અયોગ્ય ગણાવીને સ્પષ્ટ રીતે નકારી દીધો છે. ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે અમે વાટાઘાટો કરવા માંગતા નથી અને અત્યાર સુધી કોઈ વાતચીત થઈ નથી. એક વરિષ્ઠ ઈરાની અધિકારીએ જણાવ્યું કે આ યુદ્ધ અમેરિકા અને ઇઝરાયેલના આક્રમણ સામે છે અને તે અમારી પોતાની શરતો તથા સમય પર જ સમાપ્ત થશે.
ઈરાને પોતાની શરતો મૂકી છે જેમાં હોર્મુઝ સ્ટ્રેટ પર પોતાના સાર્વભૌમ અધિકારની સ્વીકૃતિ, યુદ્ધના નુકસાનનું વળતર, અમેરિકા અને ઇઝરાયેલ તરફથી સંપૂર્ણ સેન્ય પીછેહઠ, પ્રાદેશિક મિત્રો પરના દબાણનો અંત અને ન્યુક્લિયર સુવિધાઓ પર કોઈ પણ હુમલાની બાંયધરીની માંગ સામેલ છે.
હોર્મુઝ સ્ટ્રેટ પર તનાવ હજુ ચાલુ છે. ઈરાને કહ્યું છે કે આ સ્ટ્રેટ દુશ્મનો માટે બંધ છે, પરંતુ મિત્ર દેશોના તેલના જહાજો માટે ખુલ્લું રાખવામાં આવશે. આ કારણે વૈશ્વિક તેલના ભાવમાં વધારો થયો છે અને અનેક દેશો સ્ટ્રેટ ફરીથી ખોલવા માટે ગઠબંધન બનાવી રહ્યા છે.આ દરમિયાન ઇઝરાયેલે તેહરાનમાં નૌસેના ક્રુઝ મિસાઈલ ઉત્પાદન કેન્દ્ર અને ઇસ્ફાહાનમાં અંડરવોટર રિસર્ચ સેન્ટર પર હુમલા કર્યા છે. ઈરાની રેવોલ્યુશનરી ગાર્ડ્સે તેલ અવીવ, કિર્યાત શ્મોના સહિતના ઇઝરાયેલી વિસ્તારો તેમજ કુવૈત, જોર્ડન અને બહેરીનમાં અમેરિકી સૈન્ય બેઝ પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે. અમેરિકી વિમાનવાહક જહાજ યુએસએસ અબ્રાહમ લિંકનને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ વાટાઘાટોમાં પ્રગતિ કરી રહ્યા છે અને જો ઈરાન સમજૂતી નહીં કરે તો વધુ કડક પગલાં લેવા તૈયાર છે.
