ગ્રીસની કેબિન ધરાવતો યુવાન તબીયત ખરાબ હોવાથી ઘરે જતો હતો ને કાળ ભેટયો
શહેરની ભાગોળે ગ્રીનલેન્ડ ચોકડી નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ક્રેઈન અને રિક્ષા વચ્ચે બાઈક દબાઈ જતાં યુવાનનું ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું હતું. માર્કેટ યાર્ડ પાસે ગ્રીસની કેબીન ધરાવતો યુવાન તબિયત ખરાબ હોવાથી બાઈક લઈ ઘરે જતો હતો ત્યારે રસ્તામાં જ કાળ ભેટી જતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી પાસે સરદાર પાર્ક શેરી નં.2માં રહેતો અને જૂના માર્કેટ યાર્ડ નજીક ગ્રીસની કેબીન ધરાવતો રસિકભાઈ કાનજીભાઈ હિરપરા (ઉ.45) નામનો યુવાન આજે સવારે પોતાનું બાઈક લઈ જતો હતો ત્યારે ગ્રીનલેન્ડ ચોકડી પાસે પહોંચતાં ક્રેઈન, રીક્ષા અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ક્રેઈન અને રીક્ષા વચ્ચે બાઈક દબાઈ જતાં રસિકભાઈને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજયું હતું.
આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બી-ડીવીઝન પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઈ એક બહેનમાં વચેટ અને તેને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.
તેઓ મુળ માલીયાસણ પાસે આવેલા ખેરડી ગામના વતની છે અને તે જુના માર્કેેટ યાર્ડ પાસે ગ્રીસની કેબીન રાખી વાહનમાં ગ્રીસ કરવાનું કામ કરતો હતો. આજે સવારે કેબીને ગયા બાદ તેની તબિયત ખરાબ થતાં તે બાઈક લઈ પરત ઘરે જતો હતો ત્યારે રસ્તામાં જ અકસ્માત થતાં તેનું મોત નિપજ્યું હતું. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
