બે દિવસ પહેલાં ખરીદેલી ટેટી બદલવા કારમાં આવેલા શખ્સોએ મારામારી કરી હોબાળો મચાવ્યાનો આક્ષેપ
શહેરમાં નાગરિક ચોકમાં બે દિવસ પહેલા ખરીદેલી ટેટી ખરાબ નીકળી હોવાના આરોપ સાથે કારમાં ધસી આવેલા ત્રણ શખ્સોએ ફ્રુટના બે ધંધાર્થી ઉપર ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા બન્ને યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શહેરના ભીસ્તીવાડમાં રહેતા સોયબ અહમદભાઈ મોટાણી (ઉ.32) અને જામનગર રોડ પર સિંધી કોલોનીમાં રહેતાં જય પ્રકાશ ચુનીલાલ નારવાણી (ઉ.32) નાગરિક ચોકમાં હતાં ત્યારે ત્રણ અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા બન્ને યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. પ્રાથમિક તપાસમાં ઈજાગ્રસ્ત સોયેબ મોટાણી ફ્રુટનો હોલસેલનો વેપાર કરે છે.
જ્યારે જય પ્રકાશ લારીમાં ફ્રુટ વેચે છે. હુમલાખોર શખ્સો બે દિવસ પૂર્વે જયપ્રકાશના પિતા પાસેથી 100 રૂપિયાની ત્રણ કિલો ટેટી લઈ ગયા હતાં. જેમાં ટેટી ખરાબ નીકળતાં કાર લઈને ટેટી બદલવા આવેલા ત્રણેય શખ્સોએ હોબાળો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉપરોકત બનાવ અંગે એ-ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
