અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ અને ઇમિગ્રેશન નિયમોના દુરુપયોગ સામે ટ્રમ્પ વહીવટીતંત્રે અત્યાર સુધીનું સૌથી કડક વલણ અપનાવ્યું છે. દિવ્ય ભાસ્કર તેમજ આંતરરાષ્ટ્રીય અહેવાલો અનુસાર, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ એવા આશરે 2,00,000 (બે લાખ) વિદેશી નાગરિકોના બિઝનેસ અને ટુરિઝમ વિઝા (બી1 અને બી2 વિઝા) રદ્દ કરવાની જોરદાર તૈયારી કરી રહ્યું છે, જેમણે અમેરિકા પહોંચ્યા બાદ પોલિટિકલ અસાયલમ (રાજકીય શરણ) માટે અરજી કરી છે. અમેરિકી ઇતિહાસમાં વિઝા રદ્દીકરણનું આ સૌથી મોટું સામૂહિક પગલું માનવામાં આવી રહ્યું છે.
આ કાર્યવાહી હેઠળ 2016થી 2026 વચ્ચે જારી કરાયેલા બી1 અને બી2 વિઝા ધારકો, જેમના અસાયલમ કેસો હાલ પેન્ડિંગ છે અથવા જેમણે અરજી કરી છે, તેમના પ્રવાસ વિઝા સ્ટેટસ તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવશે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી અને સ્ટેટ ડિપાર્ટમેન્ટના સંયુક્ત સંકલન દ્વારા આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા મુજબ, ઘણા વિદેશીઓ ટૂંકા ગાળાના પ્રવાસી અથવા વ્યાપારી તરીકે યુએસમાં પ્રવેશીને કાયમી ધોરણે રહેવા માટે શરણની અરજી કરી દેતા હોય છે, જેને ઇમિગ્રેશન કાયદાનો મોટો દુરુપયોગ ગણવામાં આવ્યો છે.
જોકે, અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે વિઝા રદ્દ થવાથી સંબંધિત વ્યક્તિઓને તાત્કાલિક ડિપોર્ટ (દેશનિકાલ) કરવામાં આવશે નહીં, પરંતુ તેમનો બિઝનેસ કે ટુરિસ્ટ પ્રવાસી તરીકેનો કાનૂની દરજ્જો સંપૂર્ણપણે છીનવાઈ જશે. વિઝા રદ્દ થવાની સ્થિતિમાં તેઓ દેશની બહાર ગયા પછી ફરીથી તે વિઝા પર અમેરિકામાં પ્રવેશ કરી શકશે નહીં. આ નીતિની અસર અમેરિકામાં શરણ માંગી રહેલા હજારો ભારતીય નાગરિકો અને અન્ય દેશોના અરજદારો પર પણ સીધી રીતે પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળની શરૂૂઆતથી જ વિઝા નિયમોમાં ભારે કડકાઈ લાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા ચકાસણી, વિઝા બોન્ડ અને અન્ય કડક માપદંડો લાગુ કરવામાં આવ્યા છે. ગેરકાયદેસર રીતે વસવાટના રસ્તાઓ બંધ કરવાના ભાગરૂૂપે લેવાયેલા આ મોટા નિર્ણયને કારણે હવે આગામી દિવસોમાં અમેરિકી અદાલતોમાં કાનૂની પડકારો ઊભા થવાની પણ શક્યતા જોવાઈ રહી છે.
