ટ્રાવેલ્સ સંચાલકો બેફામ: સુરત-અમદાવાદથી સૌરાષ્ટ્રના ભાડામાં ઉઘાડી લૂંટ

દિવાળીના તહેવાર પર સુરત અને અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતા મુસાફરો જો ખાનગી ટ્રાવેલ્સમાં મુસાફરી કરે તો ભાડાના જ હજારો રૂૂપિયા ચૂકવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ…

દિવાળીના તહેવાર પર સુરત અને અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતા મુસાફરો જો ખાનગી ટ્રાવેલ્સમાં મુસાફરી કરે તો ભાડાના જ હજારો રૂૂપિયા ચૂકવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. મુસાફરોનો ધસારો જોતા ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોએ તકનો લાભ લઈ મુસાફરોને ખંખેરવાની શરૂૂઆત કરી દીધી છે. અમદાવાદથી રાજકોટ જવા માટે સામાન્ય દિવસોમાં સ્લીપર બસનું 400થી 500 રૂૂપિયા ભાડું હોય છે તે હાલ 1200ને પાર કરી ગયું છે. જ્યારે સુરતથી તો સૌરાષ્ટ્રના ગમે તે જિલ્લામાં જાવ 1500 રૂૂપિયા ભાડું નક્કી કરી દેવાયું છે. એટલે કે જો ચાર લોકોને પરિવાર વતનમાં દિવાળી કરવા જાય તો તેને રિટર્ન ભાડાના જ 10 થી 12 હજાર રૂૂપિયાની વ્યવસ્થા કરવી પડે તેમ છે. હજી જેમ જેમ દિવાળી નજીક આવશે અને બુકીંગ વધશે તો ભાડા 2000 થી 2500 સુધી પણ પહોંચી શકે.

અમદાવાદ શહેરમાં અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા અનેક લોકો વસવાટ કરે છે. જે નોકરી, વ્યવસાય અને અભ્યાસ માટે આવી અમદાવાદને કર્મભૂમિ બનાવી દીધી છે. તેવા લોકો તમામ તહેવાર અમદાવાદમાં જ મનાવતા હોય છે. પરંતુ દિવાળી એ એક માત્ર એવો તહેવાર છે કે જે પરિવાર સાથે મનાવવા વતન જતા હોય છે. હવે દિવાળીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મોટાભાગના લોકો વતન જવા માટે બસનું બુકિંગ કરાવી રહ્યા છે. મુસાફરોનો ઘસારો વધતા ખાનગી બસ સંચાલકો ભાડામાં તોતિંગ વધારો કરી દીધો હોવાની ફરિયાદ ઉઠી હતી.

સામાન્ય દિવસમાં રાજકોટ જવા માટેનું બસનું ભાડું 500 રૂૂપિયા હોય છે તે બસનું ભાડું દિવાળી નજીક આવતા 1200થી 1500 રૂૂપિયા પહોંચી ગયું છે. એટલું જ નહીં હજુ પણ 2000 રૂૂપિયા સુધી ભાડું પહોંચી જશે તેવું ટ્રાવેલ્સ ઓફિસના સંચાલકોએ જણાવ્યું.

અમદાવાદથી રાજ્યભરમાં દોડતી ખાનગી બસ સંચાલકોએ દિવાળી જેવા તહેવારોમાં વતન જવાની લોકોની મજબૂરીને કમાણીની તક બનાવીને ભાડામાં બેફામ વધારો લૂંટ ચલાવી રહ્યા છે. સામાન્ય દિવસ કરતા દિવાળીના તહેવાર નજીક આવતા ત્રણ ગણું વધારે ભાડું મુસાફરો પાસેથી વસૂલી રહ્યા છે. ભાડામાં તોતિંગ વધારો કરવામાં આવ્યો હોવા છતાં મોટા ભાગની બસો ફૂલ થઈ ગઈ છે. કારણ કે પરિવાર સાથે દિવાળી બનાવવા જવા માટે મુસાફરો વધુ પૈસા ખર્ચવા પણ મજબૂર બન્યા છે.

દિવાળી પર અમદાવાદથી રાજકોટ જવા માટે ભાડાની વાત કરીએ તો, ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા 1000થી 1200 રૂૂપિયા સુધી ભાડું કરી દેવાયું છે. જ્યારે અમદાવાદથી રાજકોટ વંદેભારત ટ્રેનમાં જવું હોય તો તેમાં ચેર કારના 810 રૂૂપિયા અને એક્ઝિક્યુટિવ ચેર કરાના 1505 રૂૂપિયા છે. જ્યારે એસટીની વોલ્વો બસના 562 રૂૂપિયા અને સ્લીપર બસના 332 રૂૂપિયા છે. ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા કરવામાં આવતી આ ખુલ્લી લૂંટ સામે પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરા તેમજ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા અગાઉ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. તેમણે આ મામલે તંત્ર સમક્ષ કડક કાર્યવાહી કરવાની પણ માંગણી કરી હતી. જોકે, તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા ટ્રાવેલ્સ સંચાલકો બેખોફ બનીને મનસ્વી ભાડું વસૂલી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *