આંધ્રના તટે ‘મુરાસુ’નું તાંડવ: રેલવે, હવાઇ વ્યવહાર ઠપ, ભારે તારાજી

બંગાળની ખાડીમાં સર્જાયેલું ગંભીર ચક્રવાતી તોફાન ’મુરાસુ’ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ત્રાટક્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડાના લેન્ડફોલની પ્રક્રિયા શરૂૂ થઈ ચૂકી છે અને તોફાની…

બંગાળની ખાડીમાં સર્જાયેલું ગંભીર ચક્રવાતી તોફાન ’મુરાસુ’ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ત્રાટક્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડાના લેન્ડફોલની પ્રક્રિયા શરૂૂ થઈ ચૂકી છે અને તોફાની વાદળોનો વિશાળ ભાગ દરિયાકાંઠાના વિસ્તારો પર છવાઈ ગયો છે. આ કુદરતી આફતના પગલે આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં મુશળધાર વરસાદ શરૂૂ થયો છે, જ્યારે વાહનવ્યવહાર, ટ્રેનો અને ફ્લાઇટ્સના સંચાલનને ભારે ફટકો પડ્યો છે. અહેવાલો મુજબ વાવાઝોડાથી સેંકડો વૃક્ષો અને વીજ થાંભલાઓ ધરાશાયી થયા છે. અર્નબ પછી ગણતરીના દિવસોમાં ત્રાટકેલા વાવાઝોડાથી રાજયને ભારે નુકસાન થયું છે.

હવામાન વિભાગે સોશિયલ મીડિયા પર સત્તાવાર માહિતી આપતા જણાવ્યું છે કે આ ભીષણ ચક્રવાતી તોફાન ઉત્તર-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધ્યું હતું. મંગળવારે વહેલી સવારે 3:30 વાગ્યાથી 5:30 વાગ્યાની વચ્ચે દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે નેલ્લોર અને નરસપુર વચ્ચે, ઓંગોલ નજીકથી વાવાઝોડું પસાર થયું હતું. લેન્ડફોલ દરમિયાન પવનની ઝડપ 100થી 110 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાઈ હતી, જે ઝાપટાં સાથે 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી રહી હતી. સાઇક્લોનના આગળના ભાગમાં રહેલા ’વોલ ક્લાઉડ’નો મોટો ભાગ જમીન પર દસ્તક આપી ચૂક્યો છે.

તોફાનની તીવ્રતા એટલી વધારે હતી કે સોમવારે સવારે વિશાખાપટ્ટનમના ઋષિકોંડા દરિયાકાંઠે એક બોટ મુશ્કેલીમાં ફસાઈ ગઈ હતી. આ સિવાય નેલ્લોરમાં પણ એક બોટ ફસાઈ હોવાના અહેવાલ મળ્યા હતા, જોકે રાહતની વાત એ છે કે તેમાં સવાર તમામ લોકોને સત્તાવાળાઓ દ્વારા સુરક્ષિત બચાવી લેવાયા છે.

દક્ષિણ મધ્ય રેલવે અને પૂર્વ તટ રેલવે દ્વારા આશરે 32 જેટલી ટ્રેનો રદ્દ કરવામાં આવી છે, જ્યારે કેટલીક અન્ય ટ્રેનોના રૂૂટ બદલવામાં આવ્યા છે. ચેન્નાઈ એરપોર્ટ પરથી વિજયવાડા, રાજમુંદ્રી, કડપ્પા અને તિરુચિ જતી ઇન્ડિગો એરલાઇન્સની 11 ફ્લાઇટ્સ 02 નવેમ્બરે રદ કરવી પડી હતી. વિજયવાડા, રાજમુંદ્રી, તિરુપતિ અને વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર પણ ફ્લાઇટ ઓપરેશન્સ ખોરવાયા છે.

મુરાસુ ચક્રવાતની અસર માત્ર આંધ્ર પૂરતી મર્યાદિત નથી, પાડોશી રાજ્ય તેલંગાણામાં પણ તેની ગંભીર અસર જોવા મળી રહી છે. ખમ્મમ, નલગોંડા, સૂર્યાપેટ, મહેબૂબનગર, વાનાપર્થી અને નાગરકુરનૂલ જિલ્લાઓ માટે હવામાન વિભાગે ’ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું છે. આ ઉપરાંત હૈદરાબાદ, રંગારેડ્ડી, મેડચલ, વારંગલ સહિતના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આંધ્ર પ્રદેશમાં હજુ ગત 28 અને 29 ઓક્ટોબર 2026ના રોજ ત્રાટકેલા ’અર્નબ’ સાઇક્લોનના લીધે થયેલા નુકસાનમાંથી લોકો બહાર આવ્યા નથી, ત્યાં મુરાસુએ ખેડૂતોની કમર તોડી નાખી છે. કૃષ્ણા, કાકીનાડા, શ્રીકાકુલમ, વિજયનગરમ, પાર્વતીપુરમ અને મન્યમ સહિતના જિલ્લાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે. કૃષ્ણા જિલ્લામાં ડાંગર ઉપરાંત બાજરી, મગફળી, કપાસ, શેરડી અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થયું છે.

મ્યુનિસિપલ ચૂંટણીઓની મતગણતરીમાં વિલંબ
આંધ્રપ્રદેશના પ્રકાશમ અને બાપટલા જિલ્લાઓમાં મ્યુનિસિપલ ચૂંટણીની મતગણતરીમાં સાડા ત્રણ કલાકનો વિલંબ થયો છે. ભારે વરસાદ અને તેજ પવનને કારણે મતગણતરી કર્મચારીઓ અને ચૂંટણી એજન્ટોના પરિવહનમાં અવરોધ ઊભો થયો હતો. ખરાબ હવામાનને કારણે મતગણતરી કેન્દ્રો સુધી પહોંચવામાં મુશ્કેલી સર્જાઈ છે, જેના લીધે આ પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીઓ અને ઉમેદવારોના પ્રતિનિધિઓ માટે તેમના નિર્ધારિત સ્થળોએ પહોંચવું કપરું બન્યું છે. અહેવાલો મુજબ રાજયના તમામ 13 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એનડીએનું વાવાઝોડું ફુંકાયુ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *