વીરપુર રેલવે સ્ટેશને એક કલાક ટ્રેન અટકાવાઇ

જેતપુરના વીરપુર રેલવે સ્ટેશને આજે મુસાફરોનો રોષ ફાટી નીકળ્યો હતો. રાજકોટ-સોમનાથ ટ્રેનમાં દરરોજ અપડાઉન કરતા મુસાફરોએ ટ્રેનના અનિયમિત સમય અને સુવિધાઓના અભાવે રેલવે પાટા પર…

જેતપુરના વીરપુર રેલવે સ્ટેશને આજે મુસાફરોનો રોષ ફાટી નીકળ્યો હતો. રાજકોટ-સોમનાથ ટ્રેનમાં દરરોજ અપડાઉન કરતા મુસાફરોએ ટ્રેનના અનિયમિત સમય અને સુવિધાઓના અભાવે રેલવે પાટા પર બેસી જઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ હોબાળાને કારણે ટ્રેન એક કલાકથી વધુ સમય સુધી સ્ટેશન પર જ થંભી ગઈ હતી. મુસાફરોનો આક્ષેપ છે કે રાજકોટ-સોમનાથ ટ્રેન વારંવાર એકથી બે કલાક મોડી આવે છે. રેલવે દ્વારા કરવામાં આવતા ટ્રેન ક્રોસિંગને કારણે અપડાઉન કરતા નોકરિયાત વર્ગ અને મુસાફરો પોતાના નિર્ધારિત સ્થળે સમયસર પહોંચી શકતા નથી.

વારંવાર રજૂઆત કરવા છતાં રેલવે તંત્ર દ્વારા સમયપાલન બાબતે કોઈ ઠોસ પગલાં લેવામાં ન આવતા આજે મુસાફરોએ આક્રમક વલણ અપનાવ્યું હતું. વિરોધનું અન્ય એક મુખ્ય કારણ ટ્રેનના કોચમાં કરવામાં આવેલો ઘટાડો છે. મુસાફરોએ જણાવ્યું હતું કે, રેલવે વિભાગ દ્વારા કોચની સંખ્યા ઘટાડી દેવામાં આવતા ટ્રેનમાં ભારે ભીડ અને ટ્રાફિક સર્જાય છે. મુસાફરોને બેસવાની તો દૂર, ઉભા રહેવાની પણ જગ્યા મળતી નથી, જેના કારણે મહિલાઓ અને વૃદ્ધોને ભારે હાલાકી ભોગવવી પડે છે.હોબાળાની જાણ થતા જ રેલવે પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

પાટા પર બેઠેલા મુસાફરોને પોલીસે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેમની માંગણીઓ ઉચ્ચ કક્ષાએ પહોંચાડવાની ખાતરી આપી હતી. લાંબી સમજાવટ બાદ મુસાફરો પાટા પરથી હટ્યા હતા અને ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી. મુસાફરોએ ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં ટ્રેનનો સમય અને કોચની સંખ્યામાં સુધારો નહીં થાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *