ગોંડલ શહેરના સીમ વિસ્તારમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. દડના મેલડી માતાજીના મંદિર પાસે આવેલી એક વાડીમાં રમતા-રમતા પાણીની કુંડીમાં ખાબકી જવાથી 3 વર્ષના માસૂમ બાળકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ દુર્ઘટનામાં મૂળ મધ્યપ્રદેશના શ્રમિક પરિવારે પોતાનો એકનો એક વહાલસોયો પુત્ર ગુમાવતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ગોંડલ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ભાટી ખોદરા ગામના વતની મેરૂૂભાઈ ડોડવે છેલ્લા 2 વર્ષથી પોતાના પરિવાર સાથે ગોંડલમાં રહીને ખેત મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેઓ ગોંડલ સીમમાં દડના મેલડી માતાજી મંદિર પાસે આવેલી સુરેશભાઈ રૈયાણીની વાડીમાં રહીને કામ કરતા હતા. મંગળવારે (13 ઓક્ટોબર) તેમનો 3 વર્ષનો પુત્ર દેવરાજ વાડી વિસ્તારમાં રમી રહ્યો હતો. રમતા-રમતા અચાનક તેનો પગ લપસી જતાં તે ત્યાં આવેલી પાણીથી ભરેલી કુંડીમાં પડી ગયો હતો.
બાળક કુંડીમાં ગરકાવ થઈ ગયો હોવાની જાણ થતાં જ શ્રમિક પરિવારના જીવ તાળવે ચોંટી ગયા હતા. પરિવારે તાત્કાલિક અન્ય એક મજૂરના બાઇક પર ગંભીર હાલતમાં માસૂમ દેવરાજને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ માસૂમ બાળકને તપાસીને મૃત જાહેર કરતા પરિવારની આશા પર પાણી ફરી વળ્યું હતું.
પોતાના કાળજાના કટકા સમાન એકના એક પુત્રના અકાળે મોતથી શ્રમિક માતા-પિતા ભાંગી પડ્યા હતા. તેમના હૈયાફાટ રૂૂદનથી સિવિલ હોસ્પિટલના પરિસરમાં પણ ભારે ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ગોંડલ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી, પંચનામું કરી અકસ્માતે મોત અંગેની નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
