રાજકોટ શહેરમાં ઇન્દિરા સર્કલથી યુનિવર્સિટી રોડ તરફ જતા રસ્તે ટ્રાફિક ટોઈંગ ગાડીના માણસોની ખુલ્લેઆમ ગુંડાગીરી સામે આવી છે, જેમાં ટ્રાફિક પોલીસની હાજરીમાં જ એક કાર ચાલક યુવકને જાહેરમાં લાકડીથી બેફામ માર મારવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કાળા ટીશર્ટ અને ટોપી પહેરેલો એક શખ્સ કાર ચાલક તેમજ ત્યાં હાજર સ્થાનિક લોકો સાથે અત્યંત ગેરવર્તણૂક કરી ગાળો આપતો નજરે પડે છે.
આશ્ચર્યની વાત તો એ છે કે, જ્યારે આ જાહેર માથાકૂટ થઈ રહી હતી ત્યારે ફરજ પર હાજર ટ્રાફિક શાખાના મહિલા પોલીસ કોન્સ્ટેબલ ટોઈંગ વાહનમાં અંદર બેસીને મૂકપ્રેક્ષક બની આ સમગ્ર તમાશો જોઈ રહ્યા હતા. કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી આ શરમજનક ઘટનાને પગલે લોકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે, અને હાલ આ બેજવાબદાર મહિલા કોન્સ્ટેબલ તેમજ દાદાગીરી કરનાર ટોઈંગ કર્મચારી સામે તાત્કાલિક ધોરણે કડક કાનૂની પગલાં લેવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે.
