રાજકોટની અલગ અલગ સ્કૂલોમાં પોલીસનું ચેકિંગ, એલઈડી લાઈટ લગાવનાર 51 ફોર વ્હીલ ચાલકો સામે કાર્યવાહી
શહેરમાં વધી રહેલા માર્ગ અકસ્માતના બનાવોને પગલે ટ્રાફિક પોલીસ હરકતમાં આવી છે અને ટ્રાફિક પોલીસે આજે ખાસ ડ્રાઈવ યોજી સ્કૂલ કોલેજ આસપાસ ચેકીંગ કરી લાયસન્સ વિનાના વાહન ચલાવતા વિદ્યાર્થીઓ સામે ઝુંબેશ શરૂ કરી આવા 35 વિદ્યાર્થીઓને લાયસન્સ વિના વાહન ચલાવતા ઝડપી પાડ્યા હતાં. તેમજ પોલીસે ગેરકાયદેસર રીતે ફોરવ્હીલમાં લગાડવામાં આવેલી એલઈડી લાઈટ વિરુદ્ધ પણ ચેકીંગ કરીને 51 વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી.
મળતી વિગતો મુજબ રાજ્યમાં વર્ષ 2023 દરમિયાન માર્ગ અકસ્માતમાં 7,618 લોકોના મૃત્યુ થયા હોય જેમાં 1633 એટલે કે 21 ટકા જેટલા વ્યક્તિઓ 26 વર્ષથી નિચેની વયના અકસ્માતનો ભોગ બન્યા હોય શહેરમાં બેફામ સ્પીડે વાહન ડોલાવતા લાયસન્સ વગરના વિદ્યાર્થીઓ વિરુદ્ધ ટ્રાફિક પોલીસે આજે ઝુંબેશ શરૂ કરી રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલી સ્કૂલ કોલેજોમાં ચેકીંગ કર્યુ હતું અને 18 વર્ષથી નીચેની વયના વિદ્યાર્થીઓ કે જેઓ ટુ વ્હીલ કે ફોરવ્હીલ લઈને સ્કૂલ કોલેજે આવતા હોય તેનું ચેકીંગ કરી લાયસન્સ વિનાના આવા 35 વિદ્યાર્થીઓને પકડી પાડ્યા હતાં. અને આ મામલે તેના વાલીઓને પણ જાણ કરી હતી.
સ્કૂલ કોલેજ આસપાસ ટ્રાફિક પોલીસે હાથ ધરેલા ચેકીંગ દરમિાયન લાયસન્સ વિના રાજકોટ શહેરમાં વાહનો ચલાવતા વિદ્યયાર્થીઓ ટ્રાફિક પોલીસની ઝપટે ચડી ગયા હતાં. ઉપરાંત ટ્રાફિક પોલીસે શહેરમાં રાત્રી દરમિયાન ગેરકાયદેસર રીતે એલઈડી લાઈટ લગાડીને વાહન ચલાવતા ચાલકો સામે પણ કાર્યવાહી કરી હતી. અને રાજકોટ શહેર અને હાઈવે ઉપર ચેકીંગ હાથ ધરીને ખાસ ડ્રાઈવ દરમિયાન એલઈડી લાઈટ લગાવી લોકોની આંખ અંજાય તેવા પ્રકાશ વાળી લાઈટોથી વાહન ચલાવનાર 51 વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા અને અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાની સૂચનાથી ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ અને એસીપી જે.બી. ગઢવી અને તેમની ટીમે કામગીરી કરી હતી.
