વીરપુરમાં વરસાદી માહોલ વચ્ચે હાઇવે રોડના ખાડામાં ટ્રક ફસાતા ટ્રાફિકજામ

યાત્રાધામ વીરપુરમાં ગત રાત્રીથી વરસાદી માહોલ જામ્યો છે. વરસાદના કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે. બીજી તરફ જેતપુરરાજકોટ નેશનલ હાઇવે પર વીરપુર નજીક…

યાત્રાધામ વીરપુરમાં ગત રાત્રીથી વરસાદી માહોલ જામ્યો છે. વરસાદના કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે. બીજી તરફ જેતપુરરાજકોટ નેશનલ હાઇવે પર વીરપુર નજીક ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા મુસાફરો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, વીરપુર પાસે જેતપુરરાજકોટ સિક્સ લેન માર્ગની કામગીરી દરમિયાન રોડ પર સર્જાયેલા ખાડામાં એક ટ્રક ફસાઈ જતાં હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ટ્રકને બહાર કાઢવાની કામગીરી દરમિયાન બંને તરફ ટ્રાફિક ધીમો પડી ગયો હતો, જેના કારણે હજારો વાહનચાલકો લાંબા સમય સુધી અટવાઈ રહ્યા હતા.

સ્થાનિક લોકો અને વાહનચાલકોના જણાવ્યા મુજબ હાઇવે પર ચાલી રહેલી કામગીરીમાં પૂરતી તકેદારી રાખવામાં આવી રહી નથી. વરસાદને કારણે રોડ પર થયેલા ખાડાઓ અને અધૂરી કામગીરીને લઈને હાઇવે ઓથોરિટીની બેદરકારી સામે આવી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ખાસ કરીને યાત્રાધામ વીરપુર તરફ મોટી સંખ્યામાં આવતા યાત્રાળુઓ અને દૈનિક અવરજવર કરતા વાહનચાલકોને સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ માંગ કરી છે કે જેતપુરરાજકોટ સિક્સ લેન માર્ગની કામગીરી ઝડપથી અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરવામાં આવે તેમજ વરસાદી સિઝન દરમિયાન માર્ગ પર સુરક્ષાની પૂરતી વ્યવસ્થા, ખાડાઓનું તાત્કાલિક સમારકામ અને ટ્રાફિક વ્યવસ્થાનું અસરકારક આયોજન કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *