રસ્તા પરથી ફૂલબજાર હટાવાતા વેપારીઓનો ઉગ્ર વિરોધ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી અચાનક કાર્યવાહીને કારણે સ્થાનિક ફૂલ વેચતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. રામનાથપરા સ્મશાન પાસે છેલ્લા 15 વર્ષથી ફૂલ…

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી અચાનક કાર્યવાહીને કારણે સ્થાનિક ફૂલ વેચતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. રામનાથપરા સ્મશાન પાસે છેલ્લા 15 વર્ષથી ફૂલ વેચતા ખેડૂતોને અચાનક મનપાના અધિકારીઓ દ્વારા ત્યાંથી હટાવવામાં આવતા ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થઈને મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા. ખેડૂતોએ પોતાનો વિરોધ દર્શાવવા માટે કચેરીની બહાર રોડ પર જ પોતાના ફૂલ ઠાલવી દીધા હતા અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ચોમાસાની સીઝનમાં એક તરફ પૂરતો વરસાદ થયો નથી અને બીજી તરફ સિઝન સમયે વેપાર કરવા નહીં દેવાતા ખેડૂતોની આજીવિકા પર મોટો પ્રશ્ન ઊભો થયો છે. ખેડૂતોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા તેમને વેપાર માટે ચોક્કસ જગ્યા ફાળવવામાં આવે જેથી તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકે. ત્યારે આ મામલે મનપા તંત્ર દ્વારા શુ પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.

સ્થાનિક વેપારી અને ખેડૂત ગુલાબભાઈ મનાભાઈએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 35 વર્ષથી આ ધંધો કરે છે. પહેલા પારેવડી ચોક પાસે ધંધો કરતા હતા, જ્યાંથી તેમને ખસેડીને અહીં બેસાડવામાં આવ્યા હતા. હવે અહીંથી પણ તેમને ઊભા કરી દેવામાં આવ્યા છે. તેમણે માંગ કરી છે કે તંત્ર દ્વારા તેમને યોગ્ય જગ્યા આપવામાં આવે અથવા તો સવારે 8:30 વાગ્યા સુધીનો જે નિયમિત સમય છે તે મુજબ વેપાર કરવા દેવામાં આવે.

આશરે 700 થી 800 જેટલા ખેડૂતો છેલ્લા 15 વર્ષથી સતત રામનાથપરા ખાતે ફૂલ વેચવા માટે આવે છે. તેઓ દરરોજ સવારે 8:30 વાગ્યા સુધી પોતાનો વેપાર કરે છે. પરંતુ આજે સવારે 6:00 વાગ્યે કોઈ પણ પ્રકારની પૂર્વ જાણ કર્યા વગર મનપાના અધિકારીઓ આવ્યા હતા અને માલ ઉપાડી લેવાની ધમકી આપીને ખેડૂતોને ત્યાંથી હટાવી દીધા હતા.

માર્કેટના બદલે વેપારીઓ રસ્તા પર બેસી ગંદકી કરે છે : કમિશનર
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે ફૂલના વેપારીઓ તેમજ ખેડૂતો માટે ફુલ માર્કેટ બનાવવામાં આવી છે. જયા મોટાભાગના થડા ખાલી રસ્તા પર બેસતા વેપારીઓ અને ખેડૂતો ટ્રાફિકના અડચણરૂૂપ થાય છે તેમજ ભારે ગંદકી કરે છે જેમના માટે કુલ માર્કેટ પણ બનાવવામાં આવી છે ત્યાં કોઈ પણ વેપારીઓ કે ખેડૂતો બેસતા નથી જેના લઇ આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે કે જે કોઈપણ વેપારી અથવા તો ફૂલ રસ્તા વેપારીઓને ફરજિયાત ફુલ માર્કેટમાં જ બેસવાનો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *