વ્યાજખોરના ત્રાસથી વેપારી દંપતીનો લસણની ફેકટરીમાં લટકી આપઘાત

રાજકોટ શહેરના સ્વામિનારાયણ ચોક નજીક આવેલી કૃષ્ણનગર શેરી નંબર 12 માં રહેતા કોળી સમાજના રમેશભાઈ માવજીભાઈ ચાવડા (ઉં.વ. 40) અને તેમના પત્ની ભારતીબેન રમેશભાઈ ચાવડા…

રાજકોટ શહેરના સ્વામિનારાયણ ચોક નજીક આવેલી કૃષ્ણનગર શેરી નંબર 12 માં રહેતા કોળી સમાજના રમેશભાઈ માવજીભાઈ ચાવડા (ઉં.વ. 40) અને તેમના પત્ની ભારતીબેન રમેશભાઈ ચાવડા (ઉં.વ. 40) એ અટીકા ફાટક પાસે આવેલી પોતાની લસણની ફેક્ટરીમાં એંગલ સાથે ચુંદડી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે કોળી સમાજ સહિત સ્થાનિક વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

મૃતક દંપતી છેલ્લા બાર વર્ષથી ભાડાની જગ્યા રાખીને આ લસણની ફેક્ટરી ચલાવતું હતું અને મહેનત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતું હતું. પરંતુ વ્યાજના વિષચક્રમાં ફસાયા બાદ આખરે કોઈ રસ્તો ન સૂઝતા બંનેએ એકસાથે મોતની છલાંગ લગાવી દીધી હતી. આ કરુણાંતિકાને કારણે તેમનો 15 વર્ષનો એકનો એક દીકરો જય હવે નોધારો બન્યો છે અને તેણે નાની ઉંમરે માતા-પિતા બંનેની છત્રછાયા ગુમાવી દીધી છે.

આત્મહત્યાના આ ગંભીર પગલાં પહેલાં બનેલી ઘટના હૃદય દ્રવી ઉઠે તેવી છે. દંપતી જ્યારે પોતાના ઘરેથી નીકળ્યું ત્યારે રમેશભાઈના પિતા માવજીભાઈ અને માતા મંજુબેનને બંને વળગી પડ્યા હતા અને ચોધાર આંસુએ રડવા લાગ્યા હતા. રડતા-રડતા દંપતીએ વૃદ્ધ માતા-પિતાને છેલ્લી ભલામણ કરતા કહ્યું હતું કે, અમારા ગયા પછી અમારા દીકરા જયનું તમે પૂરેપૂરું ધ્યાન રાખજો.

આ સાંભળીને પરિવાર પણ ચિંતામાં મુકાયો હતો. આ દરમિયાન ગોંડલ રોડ પર રહેતા રમેશભાઈના મોટા બાપુના દીકરા લક્ષ્મીદાસ દેવસીભાઈને કંઈક અજૂગતું થવાનો અહેસાસ થતાં તેમણે તાત્કાલિક રમેશભાઈને ફોન કર્યો હતો. લક્ષ્મીદાસે ફોન પર રમેશભાઈને હિંમત આપતા કહ્યું હતું કે, તારે કોને કેટલા રૂૂપિયા આપવાના છે તેનો મને હિસાબ આપ, હું ગમે તેમ કરીને બધાના રૂૂપિયા ચૂકતે કરી દઈશ. ત્યારબાદ પિતા માવજીભાઈ અને માતાએ પણ રમેશભાઈને આશ્વાસન આપ્યું હતું કે તારે જેટલું પણ દેવું હોય એટલું કહી દે, આપણે ગમે ત્યાંથી સવાર સુધીમાં બધું દેવું ચૂકતે કરી દઈશું. જોકે, પરિવાર મદદ કરવા તૈયાર હતો તે પહેલા જ દંપતીએ આત્મઘાતી પગલું ભરી લીધું હતું.

4 લાખનું રોજનું 50 હજાર વ્યાજ, 8 લાખ ન ચૂકવે તો દૈનિક 70 હજાર વ્યાજ

પોલીસની પ્રાથમિક તપાસ અને વિગતો દરમિયાન આ આપઘાત પાછળ મોરબીના વ્યાજખોરનો ત્રાસ હોવાનું સપાટી પર આવ્યું છે. રમેશભાઈએ ધંધાના વિકાસ માટે મોરબીના ગોગન નામના શખ્સ પાસેથી ₹4,00,000 વ્યાજે લીધા હતા. આ ચાર લાખ રૂૂપિયા સામે ગોગન પઠાણી ઉઘરાણી કરીને આઠ લાખ રૂૂપિયાની માંગણી કરતો હતો. વ્યાજખોરના દબાણના કારણે દંપતી છેલ્લા ત્રણ મહિનાથી દરરોજના ₹50,000 ચૂકવી રહ્યું હોવા છતાં વ્યાજખોરની ભૂખ સંતોષાઈ નહોતી. વ્યાજખોર ગોગને એવી ધમકી આપી હતી કે જો આજ રોજ તા. 26/10 ના સવાર સુધીમાં આઠ લાખ રૂૂપિયા રોકડા નહીં ચૂકવાય, તો આજથી જ દરરોજના ₹70,000 પેનલ્ટી પેટે ચૂકવવા પડશે. વ્યાજખોરના આ અસહ્ય ત્રાસ, રોજબરોજની ધમકીઓ અને આર્થિક ભીંસના કારણે માનસિક સંતુલન ગુમાવી ચૂકેલા દંપતીએ આખરે ફેક્ટરીમાં જઈને ફાંસો ખાઈ લીધો હતો. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી વ્યાજખોર ગોગન સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *