રાજકોટના કોઠારીયા રોડ પર આવેલા વિનોદ નગરમાં રહેતા 63 વર્ષીય સોમગીરી વિજયગિરી ગૌશ્વામિ (બાવાજી) આજે સવારે વાંકાનેર રેલવે સ્ટેશન પર એક જીવલેણ અકસ્માતનો ભોગ બન્યા છે.
મળતી માહિતી મુજબ, સોમગીરી વાંકાનેર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર હાજર હતા. ત્યાંથી પ્લેટફોર્મ નંબર 2 પર જવા માટે તેઓ રેલવેના પાટા ક્રોસ કરી રહ્યા હતા, બરાબર એ જ સમયે અચાનક ટ્રેન આવી પહોંચી હતી. ટ્રેનની અડફેટે આવી જતાં વૃદ્ધને માથા તેમજ મોઢાના ભાગે ગંભીર અને જીવલેણ ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
આ હૃદયદ્રાવક ઘટના પાછળનું મુખ્ય કારણ એ સામે આવ્યું છે કે મૃતક સોમગીરીભાઈને કાનથી ઓછું સંભળાતું હતું. પાટા ઓળંગતી વખતે ટ્રેન ચાલક દ્વારા વ્હીસલ (વિસલ) વગાડવામાં આવી હોવા છતાં શ્રવણશક્તિ ઓછી હોવાને કારણે તેઓ ટ્રેનનો અવાજ પારખી શક્યા ન હતા અને ક્ષણભરમાં જ ટ્રેનની ઠોકરે ચડી ગયા હતા. મૃતક સોમગીરીભાઈ સંતાનમાં બે દીકરા ધરાવતા હતા. આ અકસ્માતને પગલે ગૌશ્વામિ પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને બંને દીકરાઓએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવતા વિનોદ નગર વિસ્તારમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.
