વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડની ચૂંટણીની જાહેરાત થઈ છે. આગામી 12મી એપ્રિલ 2025ના રોજ ચૂંટણી માટે મતદાન યોજાશે. ત્યારે ચૂંટણી માટેનું ત્યાગી અને ગૃહસ્થ મતદારોનું અંતિમ લિસ્ટ તૈયાર કરાયું છે. સુરત, મુંબઈ, રાજકોટમાં પણ મત આપી શકાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે સીધો ચૂંટણી જંગ જામશે.
ખેડા પાસે આવેલા પ્રસિદ્ધ વડતાલધામમાં હરિકૃષ્ણ મહારાજની સ્થાપનાને આ વર્ષે 200 વર્ષ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના માટે શરૂૂ થયેલા દ્વિશતાબ્દી મહોત્સવ મહોત્સવમાં દરરોજ 3 લાખ જેટલા હરિભક્તો મુલાકાત લીધી હતી. સ્વામિનારાયણ દેવને 200 વર્ષ પુરા થતા મંદિરમાં સ્વામિનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજનો કેસર જળથી દિવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો.
2003ના વર્ષમાં વડતાલ મંદિરના ગાદીપતિ એવા આચાર્ય અજેન્દ્રપ્રસાદ પાંડેને પરંપરાની વિરુદ્ધ વર્તન કરવા બદલ પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા. તેઓની પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓ નિયમ મુજબ, પાર્ષદોને દીક્ષા નથી આપી રહ્યાં તેમજ ચરણભેટ પણ જમા નથી કરાવી રહ્યાં. આથી દક્ષિણ ઝોન સત્સંગ મહાસભાએ એક ઠરાવ પસાર કરીને તેઓને પદ પરથી હટાવી દીધા હતા. આથી અજેન્દ્રપ્રસાદ આ મામલે કોર્ટમાં પણ ગયા હતા. અજેન્દ્રપ્રસાદની 1984માં ગાદીપતિ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. જો કે આ મામલો છેક કોર્ટ સુધી પહોંચતા અંતે 2003માં અજેન્દ્રપ્રસાદને હટાવ્યા બાદ ગાદીપતિ તરીકે રાકેશ પ્રસાદજીની વરણી કરવામાં આવી હતી. એ સિવાય તાજેતરમાં જ ગઢડા (સ્વામીના) ગોપીનાથજી દેવ મંદિરની ગત ચૂંટણી બાદ દેવપક્ષે સતા સંભાળ્યા બાદ આચાર્ય પક્ષ તરફથી વિવિધ મુદ્દે કાનૂની કાર્યવાહી તેમજ અપીલ કરવામાં આવી હતી. જે તમામ બાબતે આખરે આચાર્ય પક્ષની રજૂઆત બાદ સુપ્રીમ કોર્ટે ચેરીટી કમિશ્નર સમક્ષ લાંબા સમયથી પેન્ડીંગ મેટરનો 3 જ મહિનામાં નિકાલ કરવા નિર્દેશ કર્યો હતો. જે મુદ્દે રાજકોટ ચેરીટી કમિશ્નર ખાતે બંને પક્ષકારોની રજૂઆત સાંભળ્યા બાદ સુનાવણીના અંતે દેવપક્ષ તરફી હુકમ કરતા દેવપક્ષનો જ્વલંત વિજય થયો હતો.