ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T20 સિરીઝની ત્રીજી મેચ હવે મંગળવારે (7 જુલાઈ) નોટિંગહામમાં રમાવા જઈ રહી છે. આ રોમાંચક મેચ જોવા માટે મોડા સુધી જાગવાની તૈયારી રાખવી પડશે, કારણ કે અગાઉની મેચની સરખામણીમાં આ મેચના સમયપત્રકમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
આ સિરીઝની બીજી મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગ્યે શરૂૂ થઈ ગઈ હતી. જોકે, ત્રીજી T20 મેચ માટે સમય બદલાયો છે. 7 જુલાઈના રોજ નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાનારી આ મેચનો ટોસ રાત્રે 9:30 વાગ્યે થશે અને મેચ બરાબર રાત્રે 10:00 વાગ્યે શરૂૂ થશે. આથી ભારતીય ચાહકોએ મેચનો પૂરેપૂરો આનંદ માણવા માટે રાતજાગરો કરવો પડશે.
જો તમે આ મેચ ટીવી પર જોવા માંગતા હોવ, તો સોની સ્પોર્ટ્સ ચેનલો પર તેનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે. જ્યારે મોબાઈલ યુઝર્સ સોની લિવ એપ અને જિયો હોટસ્ટાર એપ પર આ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ સરળતાથી જોઈ શકશે.
અત્યાર સુધીની સિરીઝની વાત કરીએ તો, ઘરઆંગણે રમી રહેલી ઇંગ્લેન્ડની ટીમ હાલમાં મજબૂત સ્થિતિમાં છે. સિરીઝની પહેલી મેચ વરસાદને કારણે રદ કરવી પડી હતી. જેમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 189 રન બનાવ્યા હતા, પરંતુ વરસાદના વિઘ્નને કારણે ઇંગ્લેન્ડની બેટિંગ આવી શકી નહોતી. ત્યારબાદ બીજી T20 મેચમાં પણ ભારતે પ્રથમ બેટિંગ કરી હતી અને બોર્ડ પર 190 રનનો પડકારજનક લક્ષ્યાંક મૂક્યો હતો.
જોકે, ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરીને માત્ર 19 ઓવરમાં જ આ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આ રીતે યજમાન ઇંગ્લેન્ડ અત્યારે સિરીઝમાં 1-0 થી આગળ છે. હવે જોવાનું એ રહે છે કે ત્રીજી મેચમાં ટીમ ઇન્ડિયા શાનદાર વાપસી કરીને સિરીઝ સરભર કરી શકે છે કે નહીં!
