ગેમઝોન અગ્નિકાંડની કાલે પ્રથમ વરસી

મૃતકોના વારસોને 31 લાખ વળતર આપવા કોંગ્રેસની માંગ દોષિતોને આકરી સજા અપાવવા માટે કાયદાકીય અને રાજકીય લડાઇ લડવાની જાહેરાત મોરબી અને વડોદરામાં વળતર ચૂકવાયું, રાજકોટના…

મૃતકોના વારસોને 31 લાખ વળતર આપવા કોંગ્રેસની માંગ

દોષિતોને આકરી સજા અપાવવા માટે કાયદાકીય અને રાજકીય લડાઇ લડવાની જાહેરાત

મોરબી અને વડોદરામાં વળતર ચૂકવાયું, રાજકોટના પીડિતોને દબાવવાનો પ્રયાસ થતો હોવાનો આક્ષેપ

સમગ્ર ગુજરાતમાં ભારે ખળભળાટ મચાવનાર રાજકોટના ગેમઝોન અગ્નિકાંડને આવતીકાલે એક વર્ષ પુરૂ થઇ રહ્યું છે ત્યારે 26 નિર્દોષ લોકોનો ભોગ લેનારી આ ગોઝારી ઘટનાના મુદે આંદોલન કરી રહેલ કોંગ્રેસે વડોદરાના હરણી તળાવ બોટ કાંડના પીડીતો જેટલું વળતર આપવા માંગણી કરી છે સાથો સાથ ગેમઝોન અગ્નિકાંડમાં દોષિતોને સજા અપાવવા કાનુની અને રાજકીય લડાઇ લડવાની જાહેરાત કરી છે.

રાજકોટમાં આજે પત્રકાર પરિષદને સંબોધન કરતા રાજકોટ મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા વશરામભાઈ એ જણાવ્યું હતું કે આવતીકાલે એક વર્ષ પૂરું થાય છે ત્યારે કોંગ્રેસ છેલ્લા પાંચ દિવસથી રાજકોટ શહેરમાં જનજાગૃતિ અભિયાન ચલાવી રહી છે જુદી જુદી જે માંગો સરકાર સમક્ષ કરવામાં આવી હતી તે આજદિન સુધી સ્વીકારવામાં આવી નથી. ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર યુક્ત શાસન ચાલી રહ્યું છે તેનું આ ગેમ ઝોન જીવતું જાગતું ઉદાહરણ છે. પદાધિકારીઓની ભૂમિકા હતી પરંતુ કોર્પોરેટરો અને પદાધિકારીઓનો ભ્રષ્ટાચાર બહાર ન આવે એટલા માટે ક્લીન ચીટ અપાય છે. રાજકોટમાં એક ટાવરમાં ત્યારબાદ આગ લાગી હતી તેમાં પણ કશું જ થયું નથી રેસીડેન્સી માં ભાજપના આગેવાનની ઓફિસ હોવાને પગલે એટલાન્ટિકા એપાર્ટમેન્ટનું પ્રકરણ દબાવી દેવામાં આવ્યું છે.

પત્રકાર પરિષદના અધ્યક્ષ સ્થાનેથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ટીઆરપી ગેમ ઝોનને આવતીકાલે એક વર્ષ થાય છે ત્યારે મૃતક પરિવારને પૂરતું વળતર ચૂકવવામાં સરકાર અસફળ રહી છે જ્યારે હરણીકાંડમાં મૃતકોને પરિવારોને 31 લાખ અને મોરબી કાંડમાં મૃતક પરિવારોને 21 લાખ કોંગ્રેસના આંદોલન પછી સરકાર ઉપર દબાણ આવતા ચૂકવવાની ફરજ પડી છે. ટીઆરપી ગેમ ઝોન મુદ્દે સરકારે મગનું નામ મરી નથી પાડયું. ટીઆરપી ગેમ ઝોનના મૃતક પરિવાર સાથેની લડાઈમાં અમે સહભાગી છીએ પરિવારો બહાર આવતા ડરી રહ્યા છે.

હરણની કાંડમાં મુખ્યમંત્રી સામે મહિલાએ અવાજ ઉઠાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે તમે એજન્ડા સાથે આવ્યા છો અરે ભાઈ મહિલાના દીકરાઓ હરણીકાંડમાં હોમાયા હોય તે માં નો કોઈ એજન્ડા ન હોય હરણીકાંડમાં રજૂઆત કરનાર આવનાર મહિલા ની ધરપકડ કરવામાં આવી હતી તે બહેનના ઘરે નોટીસો ફટકારવામાં આવી હતી સરકાર દ્વારા દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

હાલ રાજકોટમાં છેલ્લા આઠ દિવસથી સંવેદનારથ, પત્રિકા જનજાગૃતિ અભિયાન અને લડાઈ કોંગ્રેસ પક્ષ કરી રહી છે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડાઈ ચાલુ રાખવામાં આવશે આવતીકાલે સાંજે 7:30 કલાકે જિલ્લા પંચાયત ચોકમાં કેન્ડલ માર્ચનું વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

ગુજરાતમાં આજે અમલદાર રાજ ચાલે છે આ સરદાર અને ગાંધીનું ગુજરાતને બદલે ગુંડા અને મવાલીઓનું ગુજરાત બની ગયું છે. દોષિતોને આકરી સજા થાય જેલમાં મોઢું બંધ રખાવવા માટે સાગઠીયાઓને ભાજપના આકાઓ મળી રહ્યા છે તે જગ જાહેર છે પરિવારોને મોટા પ્રમાણમાં પેકેજ મળે તે માટે પણ લડાઈ ચાલુ છે પરિવારો સાથે સતત સંપર્કમાં છીએ તેમજ વકીલો અને સરકાર સાથે ફોલોપ લઈ રહ્યા છીએ આજની શાસન વ્યવસ્થા ને સૌ જાણો છો બહુ મોટા આરોપીઓ છૂટી રહ્યા છે ન્યાયની પ્રક્રિયા ડીલે થાય એ માટે શાસકો જોર લગાવી રહ્યા છે.

જનતાની લડાઈ જો કોઈ ન લડે તો શાસકોને મોકળું મેદાન મળી જાય એટલા માટે કોંગ્રેસ ન્યાયની પ્રક્રિયા વિલંબ ન થાય અને શાસકો દ્વારા પરિવારો પર થતી કનડગતના મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે રાહુલ ગાંધીએ વીડિયો કોનફન્સ કરી મૃતકોના પરિવારોને સાંત્વના આપી અને સંસદમાં મુદ્દો જ્યારે ઉઠાવવામાં આવ્યો ત્યાર પછી આ સંવેદનશીલ અને મૃદુ બનેલી સરકાર એક્શનમાં આવી હતી.

આજની પત્રકાર પરિષદમા શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલના અધ્યક્ષ પાલભાઈ આંબલીયા, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, સંજયભાઈ અજુડીયા, મહામંત્રી ભાવેશભાઈ બોરીચા, તુષારભાઈ નંદાણી, રાજદીપસિંહ જાડેજા, યજ્ઞેશભાઇ દવે, ગોપાલભાઈ અનડકટ, ડી પી મકવાણા, ગોવિંદભાઈ સભાયા, બિંદિયાબેન તન્ના, કિંજલબેન જોષી, દિલીપભાઈ આસવાણી, પ્રવીણભાઈ કાકડીયા, યુનૂશભાઈ જુણેજા, નિદતભાઈ બારોટ, અજીતભાઈ વાંક, નિલેશભાઈ મારુ, રહીમભાઈ સોરા, હંસાબેન સાપરિયા, જયાબેન ચૌહાણ, નયનાબા જાડેજા સહિતના પ્રભારી શ્રી ઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ટીપીઓ સહિત 7 અધિકારી સસ્પેન્ડ, અમુક જેલમાં, નેતાઓ હજુ મહેલમાં

રાજકોટ સહીત સમગ્ર ગુજરાતને હચમચાવનાા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોના મોતની ઘટનાને આવતીકાલે એક વર્ષ પુરૂ થઇ રહ્યું છે ત્યારે આ ઘટનામાં કોર્પોરેશન અને પોલીસના સાત અધિકારીઓ સસ્પેન્ડ થયા હતા. જયારે આ અગ્નિકાંડના સુત્રધાર ગણાતા ટીપીઓ સાગઠીયા સહીત કેટલાક અધિકારીઓ અને ગેમઝોનના સંચાલકો અને જમીન માલિકો જેલમાં છે જયારે આ ગેરકાયદેસર ગેમઝોનને મંજુરીઓ અપાવવામાં પડદા પાછળ ભુમિા ભજવનાર રાજકીય આકાઓનો હજુ સુધી વાળ પણ વાંકો થયો નથી અને મહેલમાં મજા કરી રહ્યા છે. ટીઆરપી ગેમઝોન દુર્ઘટનાને પગલે પીઆઇ વી.આર. પટેલ, પીઆઇ આઇ.એન. રાઠોડ, નાયબ ઇજનેર સુમા, ફાયર સ્ટેશન ઓફીસર રોહીત વિગોરા, એટીપી ગૌતમ જોષી, આસી. ઇજનેર જયદિપ ચૌધરી અને માર્ગ-મકાન વિભાગના મદદનીશ ઇજનેર પારસ કોઠીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જયારે રાજય સરકાર દ્વારા તાત્કાલીક અસરથી મહાનગર પાલિકાના કમિશનર આનંદ પટેલ, પોલીસ કમીશનર રાજુ ભાર્ગવ, ચીફ. પોલીસ કમીશનર વિધી ચૌધરી અને ડીસીપી સુધીરકુમાર દેશાઇની બદલી કરી નાખી હતી.

ગેમઝોન દુર્ઘટનાના આરોપીઓ
(1) ધવલ ભરતભાઇ ઠકકર – સંચાલક
(2) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા – જમીન માલિક
(3) કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા – જમીન માલિક
(4) પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરન (મૃતક) – સંચાલક
(5) યુજરાજસિંહ હરીસિંહ સોલંકી – સંચાલક
(6) રાહુલ લલીતભાઇ રાઠોડ – વેલ્ડર
(7) નિતિન મહાવીરપ્રસાદ લોઢા – (ગેમઝોન મેનેજર)
(8) મનસુખ ધનજીભાઇ સાગઠીયા (ટીપીઓ)
(9) ગૌતમ દેવશંકર જોષી (એટીપીઓ)
(10) મુકેશ રામજી મકવાણા (એટીપીઓ)
(11) જયદીપ બાલુભાઇ ચૌધરી (એટીપીઓ)
(12) રોહીત અસલમ વિગોરા (ફાયર સ્ટેશન ઓફીસર)
(13) રાજેશ નરશી મકવાણા (એટીપીઓ)
(14) ઇલેશ વાલાભાઇ ખેર (ચીફ ફાયર ઓફીસર)
(15) ભીખા જીવાભાઇ ઠેબા (ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર)
(16) મહેશ અમૃતભાઇ રાઠોડ (ફેબ્રીકેશનનો કોન્ટ્રાકટર)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *