શહેરની ભાગોળે જામનગર રોડ પર આવેલા માધાપર ગામે રહેતા યુવાને ગૃહકલેશથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ માધાપર ગામે કાઇસ્ટ હોસ્પિટલ પાછળ રહેતો વિપુલ કાંતિભાઇ ઠાકોર (ઉ.વ.30)નામના યુવાને આજે સવારે પોતાના ઘરે પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લેતા તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનુ મોત નિપજ્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં મૃતક વિપુલ મુળ મહેસાણા પંથકનો વતની હોવાનુ અને છ મહિનાથી રાજકોટમાં રહી કારખાનામાં કામ કરતો હતો. તેને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યુ છે. પત્ની કૈલેશબેન સાથે ગૃહકલેશના કારણે આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યુ છે.
જયારે બીજા બનાવમાં ગોંડલ ચોક્ડી પાસે રિધ્ધી-સિધ્ધી સોસાયટીમાં આવેલા કારખાનામાં રહેતા નુરઆલમ ગુલાબ નબી અબ્સા (ઉ.વ.36) નામનો યુવાન આજે સવારે કારખાનામાં હતો ત્યારે લોહીની ઉલ્ટી થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનુ મોત નિપજ્યુ હતું. પ્રાથમિક તપાસમાં તે મુળ ઉતર પ્રદેશનો વતની હોવાનુ અને સંતાનમાં એક દિકરી હોવાનું જાણવા મળ્યુ છે. તેને દારૂ પીવાની કુટેવ હોય જેના કારણે લીવર ખરાબ થઇ ગયુ હોય જેથી મોત થયાનું જાણવા મળ્યુ છે.
