ગોંડલ શહેરમાં વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, વ્યાજખોરના અસહ્ય માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને એક વેપારી યુવકે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના અંગે ગોંડલ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં રાજકોટના એક શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ, ગોંડલની લક્ષ્મી સોસાયટી વિસ્તારમાં રહેતા 30 વર્ષીય વેપારી બિપીનભાઈ જયંતીભાઇ ઠુઠુમ્મરે પોલીસ ફરિયાદ નોંધાવી છે.જેમાં આરોપી તરીકે રાજકોટના કણકોટ રહેતા વિશાલ ઉર્ફે વીર કિશોરભાઈ સોંદરવાનું નામ આપ્યું છે. બિપીનભાઈએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમણે આશરે ત્રણ વર્ષ પહેલાં ગુંદાળા ગામ પાસે બાયો કોલનું કારખાનું ભાગીદારીમાં શરૂૂ કર્યું હતું. પરંતુ છેલ્લા છ મહિના પહેલાં આ ધંધામાં મોટું નુકસાન જતાં કારખાનું બંધ કરવાની ફરજ પડી હતી. આ કારખાનામાં રોકાણ કરવા તેમજ ભાગીદારોને નુકસાનીના નાણાં ચૂકવવા માટે બિપીનભાઈને નાણાંની તાતી જરૂૂરિયાત ઊભી થઈ હતી.
આથી, અગાઉ પાનની દુકાન ચલાવતી વખતે પરિચયમાં આવેલા રાજકોટના કણકોટ ગામના રહેવાસી વિશાલ ઉર્ફે વીર કિશોરભાઈ સોંદરવા પાસેથી તેમણે કટકે-કટકે કુલ રૂૂ. 7,00,000 માસિક 30 ટકાના ઊંચા વ્યાજ દરે લીધા હતા. વિશાલે ઓગસ્ટ 2025માં પ્રથમ વખત રૂૂ. 1,00,000 વ્યાજે આપતી વખતે તેમાંથી વ્યાજના રૂૂ. 30,000 એડવાન્સ કાપી લીધા હતા અને માત્ર 70,000 રૂૂપિયા જ આપ્યા હતા, જે નાણાં ગૂગલ પે દ્વારા ટ્રાન્સફર કરાયા હતા. ત્યારબાદ વ્યાજના નાણાં ભરવા માટે ફરિયાદીએ પોતાની પત્નીના સોનાના દાગીના ગીરે મૂકીને આંગડીયા મારફતે રૂૂ. 3,00,000 આરોપીને મોકલી આપ્યા હતા.
તેમ છતાં, આરોપીની ઉઘરાણી ચાલુ રહી હતી અને તેણે વેપારી પાસેથી સેન્ટ્રલ બેંકના બે કોરા ચેક સહી કરાવીને પડાવી લીધા હતા. આ સાથે જ નોટરી રૂૂબરૂૂ બળજબરીપૂર્વક વ્યાજ સહિત કુલ રૂૂ. 12,00,000 દેવાના હોવાનું એક લખાણ પણ કરાવી લીધું હતું.
આરોપી વિશાલ સતત ફોન કરીને તેમજ રૂૂબરૂૂ આવીને બિભત્સ ગાળો આપતો હતો અને વ્યાજના નાણાં વસૂલવા માટે મોતનો ભય બતાવી માનસિક ત્રાસ આપતો હતો. આ અસહ્ય ત્રાસથી હારી જઈને ગત તારીખ 29 જૂન 2026ના રોજ વેપારી બિપીનભાઈએ જામવાડી ગામ આગળ નેશનલ હાઈવે પર પોતાની કારમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ તેમના પરિવારજનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને તેમને ગોંડલની ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા, જ્યાં સમયસર સારવાર મળતાં તેમનો આબાદ બચાવ થયો હતો.
આ મામલે ગોંડલ પોલીસે વેપારી બિપીનભાઈની ફરિયાદના આધારે આરોપી વિશાલ ઉર્ફે વીર કિશોરભાઈ સોંદરવા સામે ગુજરાત નાણાં ધીરધાર કરનારા બાબત અધિનિયમની કલમ 5, 40, 42 અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધ્યો છે. આ કેસની વધુ તપાસ પીએસઆઈ એસ.વી.ડાંગર ચલાવી રહ્યા છે.
