રાજકોટ શહેરમાં આગામી ગુરુવારના રોજ એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા ’ઝેન જી’ (GEN-G) એટલે કે, યુવાનોને વધુમાં વધુ સંખ્યામાં ભેગા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સત્તાવાર રીતે આ યાત્રાનો હેતુ યુવાનોમાં દેશભાવના અને રાષ્ટ્રપ્રેમ વધુ મજબૂત બનાવવાનો દર્શાવવામાં આવ્યો છે, જે ચોક્કસપણે એક આવકારદાયક પગલું કહી શકાય. જો કે, રાજકીય વિશ્ર્લેષકો અને જાણકારોના મતે આ આયોજન પાછળનો અસલી આશય કંઈક જુદો જ વર્તાઈ રહ્યો છે. દેશના વર્તમાન રાજકીય માહોલમાં દેશનું આવતીકાલનું ભવિષ્ય ગણાતા આ યુવાનોનું કેટલું મહત્વ છે, તેનો અહેસાસ સરકારને તાજેતરમાં જ થઈ ચૂક્યો છે. પેપર લીક મામલે દિલ્હીના જંતર-મંતર પર દેશભરના હજારો યુવાનો દ્વારા જે અભૂતપૂર્વ અને વિશાળ આંદોલન છેડવામાં આવ્યું હતું, તેણે સરકારને યુવા શક્તિના પ્રભાવનું ભાન કરાવી દીધું છે. યુવાનો હવે વર્તમાન સરકારથી નારાજ છે. ભાજપથી બે કદમ દૂર ચાલ્યા ગયા હોવાનો અહેસાસ સરકારને થતા હવે કોઇપણ રીતે યુવાનોને ભાજપ તરફ કમબેક કરવા માટે ભાજપની થીંન્ક ટેક કામે લાગી છે.
છેલ્લા કેટલાક સમયથી દેશ અને રાજ્યમાં પેપર લીકની ઘટનાઓ હોય કે પછી સરકારી ભરતીઓમાં થતા કૌભાંડો, દેશનો યુવા વર્ગ હવે સંપૂર્ણપણે જાગૃત થઈ ગયો છે. પોતાના ભવિષ્ય સાથે થતા ચેડાં સામે યુવાનોએ હવે સોશિયલ મીડિયાથી લઈને રસ્તા પર ઉતરીને સરકાર સામે ખુલ્લો મોરચો માંડવાનું શરૂૂ કરી દીધું છે. યુવાધન શાસક પક્ષથી વિમુખ થઈ રહ્યું હોવાના સંકેતો મળતા જ ભાજપની થિન્ક ટેન્ક ભારે ચિંતામાં મુકાઈ છે. યુવાનોની આ વ્યાપક નારાજગીને કારણે આગામી સમયમાં થનારા રાજકીય નુકસાનનું ડેમેજ ક્ધટ્રોલ કરવા માટે શાસક પક્ષની વ્યૂહરચના સમિતિ તમામ સ્તરે સક્રિય થઈ ગઈ છે. આ કવાયતના ભાગરૂૂપે જ ઝેન-જી એટલે કે યુવાનોને ફરીથી ભાજપ તરફ આકર્ષવા અને પોતાના પક્ષમાં લાવવા માટે માત્ર તિરંગા યાત્રા જ નહીં, પરંતુ આગામી સમયમાં યોજાનારા તમામ સરકારી કાર્યક્રમોનો ભરપૂર ઉપયોગ કરવામાં આવશે.
આ આખી રણનીતિ પાછળ સરકારનો મૂળભૂત એજન્ડા યુવાનોને વિવિધ સરકારી કાર્યક્રમોના માધ્યમથી જોડીને તેમનું માઈન્ડ વોશ કરવાનો અને સરકાર પ્રત્યે સોફ્ટ કોર્નર ઊભો કરવાનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રાજકોટમાં યોજાનારી આ આગામી તિરંગા યાત્રાના ભવ્ય આયોજન અને તેની પૂર્વતૈયારીઓ માટે મેયરના અધ્યક્ષ સ્થાને એક મહત્વની બેઠક પણ મળી હતી. આ મિટિંગમાં શાસક પક્ષના તમામ કોર્પોરેટરોને અચૂક હાજર રહેવાની કડક સૂચના આપવામાં આવી હતી.
બેઠક દરમિયાન તમામ કોર્પોરેટરોને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ પોતપોતાના વોર્ડમાંથી વધુમાં વધુ સંખ્યામાં યુવાનોને એકઠા કરી આ તિરંગા યાત્રામાં સામેલ કરે. કોર્પોરેટરોને વસ્તીના આધારે ચોક્કસ સંખ્યાત્મક ટાર્ગેટ પણ ફાળવવામાં આવ્યા છે. માત્ર સ્થાનિક લોકપ્રતિનિધિઓ જ નહીં, પરંતુ આ યાત્રાને સફળ બનાવવા અને યુવાનોની જંગી મેદની એકઠી કરવા માટે શિક્ષણ જગતનો પણ આશરો લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરની તમામ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો તેમજ કોલેજોના સંચાલકો સાથે પણ વહીવટી તંત્રે બેઠકો કરી છે અને તેમને પણ વિદ્યાર્થીઓને યાત્રામાં લાવવા માટેના ટાર્ગેટ સોંપવામાં આવ્યા છે. આમ, સરકારી તંત્ર અને સંગઠનની તાકાત ઝોંકીને આગામી ગુરુવારે યોજાનારી તિરંગા યાત્રાના માધ્યમથી યુવા આક્રોશને શાંત પાડવાનો અને તેમને રાષ્ટ્રભક્તિના રંગે રંગીને પોતાની તરફ વાળવાનો એક મોટો રાજકીય પ્રયાસ રાજકોટની ધરતી પરથી થવા જઈ રહ્યો છે.
ઇન્સ્ટાગ્રામ સહિત સોશિયલ મીડિયાથી તિરંગા યાત્રાનો પ્રચાર કરવા સૂચના
ઝેન-જી સુધી પહોંચવા માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટીવી ચેનલોનું માધ્યમ મુકીને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાનો સહારો લેવો પડ્યો હતો. હવે જ્યારે ઝેન-જીને ફરી રિઝવવાનો સરકારની એજન્ડ છે તેમા તિરંગા યાત્રામાં વધુમાં વધુ યુવાનોને જોડવા માટે તમામ કોર્પોરેટરોએ ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવીને વહેતી કરવા માટે સુચના આપવામા આવી છે.
તિરંગા યાત્રામાં મહાનુભાવો પ્રજાના પૈસે ઝાપટશે લાઇવ નાસ્તો
તિરંગા યાત્રામાં આમંત્રિતો સહિત 300 મહાનુભાવો પ્રજાના પૈસે જલેબી, ગાંઠિયાની જિયાફત ઉડાવશે. કાર્યક્રમ સવારનો હોય ઘરેથી નાસ્તો કરીને થોડો આવવાનું હોય?! સરકારી કાર્યક્રમ હોય તો પછી પ્રજાના પૈસે જ ભાંડો ભરવાની નીતિ સાથે ચા-કોફી, વણેલા-ફાફડી ગાંઠિયા સહિતના નાસ્તા માટે ટુંકી નોટિસથી ટેન્ડર બહાર પાડી ભાવ મગાવવામા આવ્યા છે. જો કે એક વાત સારી છે કે, જંગલેશ્વર ડિમોલિશનની જેમ ટેન્ડર બહાર પાડ્યા વગર જ કાજુ કતરી સહિત રજવાડી ભોજનિયાનો લાખો રૂૂપિયાનો ખર્ચ બારોબાર કરી નાખવામા આવ્યો હતો તેવા વહીવટ ઉપર હવે બ્રેક આવી ગઇ છે.
