શહેરના મહાત્માગાંધી પ્લોટમાં રહેતા ટીપરવાન ચાલક યુવાનનું ઝેરી જીવડું કરડી જતા સારવાર દરમિયાન મોત નીપજયું છે. યુવાન પુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ પારેવડી ચોક પાસે આવેલા મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતો સુરજ શામજીભાઇ સોલંકી (ઉ.વ.29) નામનો યુવાન ગત તા.28/2ના સાંજે પોતાના ઘરે હતો ત્યારે કોઇ ઝેરી જીવડું કરડી જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેનું ચાલુ સારવાર દરમિયાન આજે હોસ્પીટલના બિછાને મોત નીપજયું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બી ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં મૃતક સુરજ એકની એક બહેનનો એકનો એક નાનો ભાઇ હતો. તે કોર્પોરેશનની ટીપરવાનમાં કોન્ટ્રાકટ બેઝ પર ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. યુવાન પુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
