મહાનગરપાલિકા દ્વારા દોડાવવામાં આવતી ટીપરવાનના ડ્રાઈવરો અને ક્લીનરોની અનેક બેદરકારીઓ સામે આવી છે. પ્રથમ ટીપરવાનમાં ફરતી બાજુ કોથળાઓ ટીંગાળીને અન્ય વાહન ચાલકોને ખલેલ પહોંચાડતા હોવાની ફરિયાદો ઉઠેલ પરતું ઓછા પગારમાં નોકરી કરતા ક્લીનરો કચરામાંથી પ્લાસ્ટિક સહિતનો સામાન કાઢી તેના વેચાણ થકી બે પૈસા કમાઈને પોતાનું ગુજરાન ચલાવતા હોવાનું પણ બહાર આવેલ આથી આ બાબતે તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા છે.
પરંતુ ટીપરવાનમાં મિત્રોને બેસાડી ઠઠ્ઠા મસ્કરી સાથે રોડ ઉપર બેફામ દોડાવતા હોવાનો ગઈકાલે વીડિયો વાયરલ થતાં પર્યાવરણ વિભાગે ટીપરવાનના નંબર ઉપરથી ડ્રાઈવર અને ક્લીનરની ઓળખ કરી એજન્સીનો સંપર્ક સાધી બન્નેને નોકરીમાંથી પાણીચુ આપવામાં આવ્યું હતું. જ્યારે એજન્સીને ફરી વખત આવો બનાવ ન બને તે અંગેની નોટીસ ફટકારી રૂા. 10 હજારનો દંડ કરવામાં આવ્યો હતો.
મહાપાલિકાની ટીપરવાનમાં મિત્રોને બેસાડી જોખમી મુસાફરી કરાવતો વીડિયો વાઈરલ થયો છે. કોઠારીયા રોડ ઉપરના આ વીડિયોમાં ટીપરવાનમાં બેઠેલાઓ ઠઠ્ઠા મશ્કરી કરતા પણ નજરે પડયા હતા. આ બનાવની વિગતો મળતા પર્યાવરણ વિભાગે ચાલક અને ક્લીનરની હકાલપટ્ટી કરવા ઉપરાંત એજન્સીને રૂૂ.10 હજારનો દંડ ફટકાર્યો હતો.
ગઈકાલે વીડિયો વાયરલ થયેલ જેમાં કોઠારીયા રોડ ઉપરથી નિકળેલા આ ટીપરવાનમાં કચરો ભરવાની જગ્યાએ યુવાઓ બેઠેલા દેખાય છે. રસ્તા ઉપર પુરપાટ નિકળતા ટીપરવાનનો કોઈએ વિડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઈરલ કરતા મનપા સુધી વિગતો પહોંચી હતી અને તાકિદથી તપાસ હાથ ધરાવી હતી. આ ટીપરવાનનો નં.જી.જે.03-જી.એ.-2468 હોવાનું અને તેના ચાલક પરવેશ ડામોર અને હેલ્પર આરાધના ડામોર હોવાનું જણાવાયું છે. બંનેને છૂટા કરી દેવાયા છે અને એજન્સી સેન્ટર ફોર ડેવલોપમેન્ટ એન્ડ કોમ્યુનિકેશન ટ્રસ્ટને દંડ ફટકારી નોટીસ આપવામાં આવી હતી.
