વીજળીના કડાકા-ભડાકા વચ્ચે માત્ર એક ઈંચ વરસાદ, વિંછીયા-જસદણ-પડધરી હજુ કોરા
જુલાઈનું પ્રથમ અઠવાડિયું પુરૂ થઈ જવા છતાં હજુ સુધી રાજકોટ જિલ્લાના પડધરી, જસદણ, વિંછીયા સહિતનાં વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડયો નથી. રાજકોટ શહેરમાં રાત્રે 12 વાગ્યા બાદ કડાકા ભડાકા સાથે મેઘો મંડાયો હતો અને સવાર સુધીમાં રાજકોટને ધમરોળી નાખશે તેવું વાતાવરણ સર્જાયુ હતું પરંતુ માત્ર દોઢેક કલાકમાં એક ઈંચ જ વરસાદ નોંધાયો હતો.
રાત્રી દરમિયાન શહેરનાં વેસ્ટ ઝોનમાં 27 મીમી, ઈસ્ટ ઝોનમાં 23 મીમી અને સેન્ટ્રલ ઝોનમાં 23 મીમી વરસાદ પડતાં શહેરનો સિજનનો કુલ સરેરાશ વરસાદ 114 મીમી એટલે કે, સાડા ચાર ઈંચ જેવો થયો છે.
આ છુટાછવાયા અને અધકચરા વરસાદના કારણે રાજકોટ તાલુકાનાં અનેક ગામોમાં હજુ વાવણી પણ થઈ નથી જ્યારે જિલ્લાના વિંછીયા તાલુકામાં તો હજુ સિઝનનો માત્ર અડધો ઈંચ અને જસદણમાં માત્ર સવા ઈંચ જેવો જ વરસાદ પડયો છે. તો પડધરીમાં પણ માંડ દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. આમ, રાજકોટ, પડધરી, જસદણ અને વિંછીયામાં હજુ વાવણી લાયક વરસાદ પડયો જ નથી. જ્યારે ધોરાજીમાં સિઝનનો કુલ વરસાદ 11 ઈંચ, ઉપલેટામાં 7 ઈંચ, જેતપુરમાં સવા છ ઈંચ, જામકંડોરણામાં 4॥ ઈંચ, ગોંડલમાં 8 ઈંચ અને કોટડા સાંગાણીમાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે.
