માતા કારખાનામાં કામ કરતી રહી અને પુત્ર રમતો રમતો કુંડી સુધી પહોંચી ગયો
કોટડાસાંગાણી તાલુકાના પીપલાણા ગામ નજીક આવેલ જીઆઈડીસીના એક કારખાનામાં કામ કરવા આવેલી દાહોદ પંથકની મહિલાનો ત્રણ વર્ષનો પુત્ર ટાંકામાં ડૂબી જતાં તેનું મોત થયું હતું. આ ઘટનાથી મજુર પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે. બાળક રમતા રમતા ટાંકા સુધી પહોંચી ગયો અનેં માતાને તેનો ખ્યાલસુધ્ધા ન રહ્યો અને આ ઘટના બની હતી.
મળતી વિગત મુજબ, મુળ દાહોદ પંથકના અને હાલ શાપર-વેરાવળના ગુજરાત ગેઈટ પાસે ઝુંપડપટ્ટીમાં રહેતાં નયુ કુડીયા નામના આદીવાસી પરિવાર મજુરી કરી ગુજરાન ચલાવે છે. ગઈકાલે નયુ અને તેની પત્ની બન્ને કોટડા સાંગાણીના પીપલાણા ગામ ખાતે આવેલી જીઆઈડીસીમાં જે. કે. ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં કામ કરવા ગયા હતા ત્યારે તેનો ત્રણ વર્ષનો પુત્ર અનુરાગ પણ સાથે હતો. માતા કારખાનામાં કામ કરવામાં મશગૂલ હતી ત્યારે બાળક કારખાનાની બહાર રમતો હતો. અચાનક રમતાં રમતાં અનુરાગ કારખાના પાસે પાણીની કુંડી સુધી પહોંચ્યો હતો અને તે અકસ્માતે પાણીની કુંડીમાં ખાબકયો હતો. ત્રણ વર્ષના અનુરોગનું પાણીની કુંડીમાં ડૂબી જવાથી મોત થયું હતું.
આ ઘટનામાં માતાને જ્યારે પુત્ર કારખાના આસપાસ દેખાયો નહીં ત્યારે તપાસ કરતાં તે કુંડીમાંથી મળી આવ્યો હતો. આ ઘટના અંગે પોલીસને જાણ કરલામાં આવતાં કોટડાસાંગાણી પોલીસે પ્રાથમિક કાર્યવાહી કરી હતી. મૃતક અનુરાગ બે ભાઈમાં નાનો હતો અને તેના પિતા છત ભરવાનું કામ કરે છે અને માતા કારખાનામાં છુટક મજુરી કરતી હોવાનું જાણવા મળ્યું છે.
