જામકંડોરણા ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા ગયેલા ખેડૂત સાથે માથાકૂટ કરી ધમકી અપાઇ

જામકંડોરણા ગ્રામ પંચાયત કચેરી ખાતે લોકપ્રશ્નો અંગે રજૂઆત કરવા ગયેલા એક સ્થાનિક ખેડૂત સાથે બોલાચાલી કરી, ગાળો આપી અને ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી…

જામકંડોરણા ગ્રામ પંચાયત કચેરી ખાતે લોકપ્રશ્નો અંગે રજૂઆત કરવા ગયેલા એક સ્થાનિક ખેડૂત સાથે બોલાચાલી કરી, ગાળો આપી અને ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપવા બદલ એક શખ્સ સામે જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, જામકંડોરણાના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરતા 49 વર્ષીય અશોકભાઈ બાબુભાઈ બગડા ગત તારીખ 19/10/2026 ના રોજ બપોરના આશરે 1:30 થી 2:00 વાગ્યાના અરસામાં જામકંડોરણા ગ્રામ પંચાયત કચેરી ખાતે ગયા હતા. તેઓ પોતાના સમાજના આંબેડકર ભવનને ખુલ્લું મૂકવા બાબતે તેમજ વિસ્તારમાં કચરાનું ટ્રેક્ટર નિયમિતપણે ન આવતું હોવાની રજૂઆત તલાટી મંત્રીને કરી રહ્યા હતા.

અશોકભાઈ જ્યારે તલાટી મંત્રી સમક્ષ રજૂઆત કરી રહ્યા હતા, ત્યારે ત્યાં હાજર ગામના જ નીલેશભાઈ રવજીભાઈ ચૌહાણ નામના શખ્સે પોતાનો મોબાઈલ ફોન કાઢી તેમનું વીડિયો રેકોર્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. અશોકભાઈએ તેમનું વીડિયો શૂટિંગ કરવાની ના પાડતા નીલેશભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને “આ જાહેર જગ્યા છે, હું ગમે તેનું વીડિયો રેકોર્ડિંગ કરી શકું” તેમ કહી બોલાચાલી કરવા લાગ્યા હતા.

ઘટના સમયે કચેરીમાં હાજર જસુબેન બગડા તથા પંચાયતના ક્લાર્ક વિપુલભાઈ કોયાણી સહિતના લોકોએ વચ્ચે પડી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, આરોપી નીલેશભાઈએ ઉશ્કેરાઈને જાહેર જગ્યા પર ફરિયાદીને ભૂંડી ગાળો આપી હતી અને “તને હવે હું જોઈ લઈશ, ખોટા કેસમાં ફીટ કરાવી દઈશ” જેવી ગંભીર ધમકીઓ આપી હતી. ફરિયાદી પંચાયત ગેટની બહાર નીકળતી વખતે પણ આરોપીએ ફરી બોલાચાલી કરી ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.આ ઘટના બાદ અશોકભાઈ બગડાએ જામકંડોરણા પોલીસ મથકે પહોંચીને નીલેશભાઈ રવજીભાઈ ચૌહાણ સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ ધીરેન્દ્ર ગોરધનભાઈ વાઘેલાને સોંપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *