જામનગર જિલ્લામાં લાંબા સમય પછી ચલણી નોટો ઘુસાડવાનું કારસ્તાન મેઘપર પોલીસે પકડી પાડયું હતું, અને બે પરપ્રાતીય શખ્સો પાસેથી રૂૂપિયા 500 ના દરની 100 નંગ બનાવટી ચલણી નોટો કબજે કરી લઈ રિમાન્ડ પર લીધા હતા, જેઓની પૂછપરછ બાદ તપાસનો દોર રાજકોટ અને ભરૂૂચ સુધી લંબાવી આ પ્રકરણમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જેઓને રિમાન્ડ પર લેવાયા બાદ તેઓને પણ જેલમાં ધકેલી દેવાયા છે.
મેઘપર પોલીસે લાલપુર તાલુકાના પડાણા પાટીયા થી ચંગા પાટીયા તરફ જવાના માર્ગે એક ખાનગી કંપનીના ગેઇટ પાસે પાર્કિંગમાં ટ્રક લઈને આવેલા બે શખ્સો મૂળ રાજસ્થાનના વતની હમીદ પપ્પુભાઈ નુરાભાઈ કઠાત તેમજ અરમાન ફઝલુ રહેમાન અબ્દુલ કુરેશીને ગત શનિવારે રૂૂપિયા 500ના દરની 100 નંગ બનાવટી નોટો ના એક બંડલ સાથે ઝડપી લીધા હતા.
પોલીસે ડુપ્લીકેટ નોટો કબજે કરી લઈ ટ્રક ચાલક અને ક્લીનર ની અટકાયત કરી લીધી હતી. જેઓને મેઘપર પડાણા પોલીસ મથકમાં લઈ જઈ ઊંડાણપૂર્વકની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે મૂળ રાજસ્થાનના વતની સલીમભાઈ રમેશભાઈ કઠાત કે જે રાજસ્થાનના શેખાવાસ જિલ્લાનો વતની છે, અને તેણે આ ચલણી નોટો મોકલાવી હોવાનું અને રાજકોટ હાઇવે રોડ પર અલગ અલગ બે મોબાઈલ નંબર ધારકો તેઓને આ ચલણી નોટો સપ્લાય કરવા માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસ દ્વારા સલીમભાઈ કઠાત તથા અન્ય બે અજાણ્યા શખ્સોને ફરારી જાહેર કર્યા હતા.
અને તપાસનો દોર રાજકોટ સુધી લંબાવ્યો હતો, અને રાજકોટમાંથી રાહુલ વિક્રમભાઈ ચાવડા તેમજ ગની ઉર્ફે હીરાભાઈ ચૌહાણ ની અટકાયત કરી લીધી હતી. જ્યારે મૂળ રાજસ્થાનનો વતની સલીમ કઠાત, કે જે ભરૂૂચમાં સંતાયો હોવાથી મેઘપરની પોલીસ ટુકડી ભરૂૂચ પહોંચી હતી, અને ત્યાંથી સલીમ કઠાતને ઉઠાવી લીધો હતો. જેને પણ મેઘપર લઈ આવ્યા બાદ ત્રણેય આરોપીઓને અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડ પર લીધા હતા. ગઈકાલે તમામ આરોપીઓની રિમાન્ડની મુદત પૂરી થતાં તમામને જેલ હવાલે કરી દેવાયા છે.
