કુવાડવાની ત્રણ સગી સગીર બહેનોને પ્રેમી ભગાડી ગયા, બે પરત આવી ગઈ: એકની શોધખોળ

હાજર થયેલ સગીરા સાથે દુષ્કર્મ થયાનું ખુલતા પોલીસે કલમ ઉમેરવા તજવીજ શરૂ કરી કુવાડવા પંથકની એક જ પરિવારની ત્રણ સગી બહેનો તેના ત્રણ પ્રેમીઓ સાથે…

હાજર થયેલ સગીરા સાથે દુષ્કર્મ થયાનું ખુલતા પોલીસે કલમ ઉમેરવા તજવીજ શરૂ કરી

કુવાડવા પંથકની એક જ પરિવારની ત્રણ સગી બહેનો તેના ત્રણ પ્રેમીઓ સાથે ઘરેથી ઉત્તરાયણના બીજા દિવસે નીકળી ગઈ હતી. બાદમાં 3 સંતાનની માતા એવી ત્રણેય બહેનોમાં મોટી બહેને ગોંડલ 181ની ટીમને પોતે ભૂલી પડી ગયાનું રટણ કરતા પોલીસે તેણીને ઘરે પહોંચાડી હતી. ત્યારબાદ પરિવારે અન્ય બંને બહેનો વિશે તપાસ કરતા સમગ્ર મામલો ખુલ્યો હતો.પોલીસે બંને સગીર બહેનો અને તેના પ્રેમીઓને ભગાડવામાં મદદ કરવાના ગુનામાં મોટી બહેન અને તેના પ્રેમીનું આરોપી તરીકે ફરિયાદમાં નામ નોંધી ગુનો દાખલ કર્યો છે.સમગ્ર મામલો પોલીસમાં પહોંચતા 17 વર્ષની સગીરા અને તેનો પ્રેમી પોલીસ મથકમાં હાજર થઇ ગયા હતા. હાલમાં પોલીસે સૌથી નાની 12 વર્ષની તરુણી અને તેને ભગાડી જનાર પ્રેમીની શોધખોળ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટ તાલુકાના કુવાડવા પંથકની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારની ત્રણ સગી બહેનો તેના ત્રણ પ્રેમીઓ સાથે ઘરેથી ઉત્તરાયણના બીજા દિવસે જ નીકળી ગઈ હતી. રાજકોટથી ભાગી ત્રણેય ગોંડલના મોવિયા ગામે વાડી વિસ્તારમાં જઈ રહ્યા હતા. બાદમાં ઘરેથી નીકળ્યાના 5/6 દિવસ બાદ સૌથી મોટી બહેન(ઉં.વ.38)એ ગોંડલ 181ની ટીમને જાણ કરી પોતે ભૂલી પડી હોવાનું રટણ કર્યું હતું. પોલીસે તેણે રાજકોટ તેના ઘરે પરત ફરવા મદદ કરી હતી. પરિવારે અન્ય બંને દીકરીઓ વિશે પૃચ્છા કરતા મોટી બહેને સમગ્ર ઘટના પરિવાર સમક્ષ કબૂલી હતી.

જે બાદ ત્રણેય દીકરીના પિતાએ જ એરપોર્ટ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોટી દીકરી અને તેના પ્રેમી મયૂર હીરાભાઈ ચાવડા(ઉ.વ.25), વચેટ દીકરી(ઉં.વ.17)ના પ્રેમી વિશાલ રમેશ મકવાણા(ઉં.વ.22) તેમજ નાની દીકરી(ઉં.વ.12)ના પ્રેમી સાવન જવેર મકવાણા(ઉં.વ.26)નું નામ આપ્યું હતું.

એરપોર્ટ પોલીસે સગીરવયની બાળાને ભગાડી જવાના ગુનામાં વિશાલ અને સાવન તેમજ સગીરાને ભગાડવામાં મદદગારી કરવાના ગુનામાં મોટી બહેન અને તેના પ્રેમી મયૂર ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે બંને સગીરાની શોધખોળ હાથ ધરતા 17 વર્ષની સગીરા અને તેને ભગાડી જનાર પ્રેમી વિશાલ પોલીસ સ્ટેશને હાજર થઇ ગયા હતા. પોલીસે આ બંનેની પૂછપરછ કરતા તેમણે શરીરસંબંધ બાંધ્યો હોવાનું ખુલવા પામ્યું હતું.જેથી હાલ ભોગ બનનાર સગીરા અને તેના પ્રેમીની પોલીસે તબીબી તપાસ કરવા તજવીજ હાથ ધરી છે. જ્યારે 12 વર્ષીય તરુણી અને તેણીને ભગાડી જનાર સાવનને પોલીસ શોધી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *