રાજકોટનાં પંચનાથ પ્લોટમા વ્રજ એપાર્ટમેન્ટમા ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડી આઇપીએલનાં મેચ પર ક્રિકેટ સટ્ટાનુ નેટવર્ક ચલાવતા ભાવનગર અને સાવરકુંડલાનાં 3 શખસોની ધરપકડ કરી માસ્ટર આઇડી આપનાર શખસનુ નામ ખોલ્યુ છે. ક્રાઇમ બ્રાંચની ટીમે 6 મોબાઇલ, લેપટોપ સહીત 80 હજારનો મુદામાલ કબજે કર્યો છે.
મળતી વિગતો મુજબ પંચનાથ પ્લોટમા જય સિયારામ પેંડાવાળી શેરીમા આવેલા વ્રજ એપાર્ટમેન્ટ ફલેટ નં સી 1 પહેલા માળે ક્રિકેટનો સટ્ટો ચાલતો હોવાની બાતમીનાં આધારે ક્રાઇમ બ્રાંચનાં પીએસઆઇ વી. ડી. ડોડીયા અને તેમની ટીમે દરોડો પાડયો હતો.
ફલેટ ભાડે રાખીને ક્રિકેટ સટ્ટાનુ રેકેટ ચલાવતા ભાવનગર બોર તળાવ પાસે હરીરામ પાર્ક સોસાયટીમા રહેતા મુળ સુરત વરાછાનાં વતની રીતેશ ઉર્ફે ભોલો પંકજભાઇ બોરીચા સાથે અમરેલીનાં સાવરકુંડલાનાં જેસર રોડ પર પાણીનાં ટાકા સામે મધુવન સોસાયટી 1 શિવ શકિત મકાનમા રહેતા રોનક નીતીન બનઝારા તથા સાવરકુંડલાના હાથસણી રોડ પર રાધેશ્યામ સોસાયટી બ્લોક નં 30 મા રહેતા અને ફોટોગ્રાફી કરતા વિવેક ઉર્ફે કાનો મગનભાઇ સોલંકીની ધરપકડ કરી હતી. આ ત્રણેય શખ્સોએ રાજકોટમા પંચનાથ પ્લોટમા ફલેટ ભાડે રાખી આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમાડવાનુ શરૂ કર્યુ હતુ. ક્રિકેટ સટ્ટાનુ માસ્ટર આઇડી પ્રેમબુધ્ધદેવ પાસેથી લીધુ હતુ. ભવાની 777 નામનાં માસ્ટર આઇડીમાથી મુંબઇ ઇન્ડીયન્સ અને ગુજરાત ટાઇટન્સની આઇપીએલ મેચ પર સોદા લેતા હતા. આ ત્રીપુટી પાસેથી 6 મોબાઇલ, 1 લેપટોપ અને બ્રોડ બેન્ડનુ ડીવાઇસ સહીત 79 હજારનો મુદામાલ કબજે કરવામા આવ્યો હતો.
ડીસીપી પાર્થરાજસિંહ ગોહીલ, એસીપી બી. બી. બસીયાની સુચનાથી પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી. બી. ડોડીયા અને તેમની ટીમનાં દિપકભાઇ ચૌહાણ, મહાવીરસિંહ ચુડાસમા, દિલીપભાઇ બોરીચા, અમીતભાઇ અગ્રાવત, પ્રદિપસિંહ જાડેજા, વિશાલભાઇ દવે સહીતનાં સ્ટાફે કામગીરી કરી હતી.
