પોરબંદરમાં જૂની અદાવતમાં યુવકને એક શખ્સે છરીના ઘા ઝીંકી દીધા
સુરેન્દ્રનગરના વઢવાણમાં પાણી મુદ્દે બે પરિવાર વચ્ચે ઝઘડો થતા યુવાન ઉપર ત્રણ શખ્સોએ ધારિયા વડે હુમલો કર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વઢવાણમાં રહેતા જગમાલ મીઠાભાઈ જાખીયા (ઉ.વ.28) પોતાના ઘર પાસે હતો ત્યારે તેના માસીના દીકરા દશરથ, રમેશ રતું અને અનિલ નામના શખ્સોએ ઝઘડો કરી ધારીયા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો પ્રાથમિક તપાસમાં જગમાલની પત્ની શારદાબેન અને હુમલાખોર રમેશની પત્ની વચ્ચે પાણી બાબતે ઝઘડો થયો હતો જે ઝઘડામાં જગમાલ ઉપર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત બીજા બનાવમાં પોરબંદરમાં આવેલ હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં રહેતા અર્જુન હરદાસભાઈ કડછા નામના 22 વર્ષના યુવકને એક વર્ષ પહેલા ઝઘડો થયો હતો જે ઝઘડામાં સમાધાન થઈ ગયું હતું તેમ છતાં પોરબંદરમાં આવેલ ખીજડી પ્લોટમાં મામાદેવના મંદિર પાસે હતો ત્યારે અલય જાડેજાએ ઝઘડો કરી છરીના ઘા ઝીંકી દીધા હતા યુવકને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
