રાજકોટ શહેરના નવા થોરાળા વિસ્તારમાં આવેલ આંબેડકરનગર શેરી નંબર-2 માં રહેતા 52 વર્ષીય પ્રૌઢા પારુલબેન કિશોરભાઈ સોંદરવા પર ગઈકાલે સાંજના સમયે જૂની અદાવત અને કૌટુંબિક કારણોસર પાડોશમાં જ રહેતા શખ્સોએ હુમલો કર્યો હતો. ઘટનાની વિગત મુજબ, પારુલબેન જ્યારે સાંજના છ વાગ્યાના અરસામાં પોતાના ઘરે હાજર હતા, ત્યારે અચાનક હરેશ પરમાર, સમીર ઉર્ફે પપ્પુ માજોઠી અને એક અજાણ્યા પુરુષે તેમના ઘરમાં પ્રવેશ કર્યો હતો. આ શખ્સોએ કોઈ પણ પ્રકારની વાતચીત કર્યા વગર ગાળાગાળી શરૂૂ કરી હતી અને જોતજોતામાં ઉગ્ર ઝઘડો કરી પારુલબેનને બેરહેમીથી માર મારવાનું શરૂૂ કર્યું હતું. હુમલા બાદ પ્રૌઢાને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક અસરથી રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
હુમલાનું મુખ્ય કારણ પારુલબેનના ભાઈ કેવલ સાથે જોડાયેલું હોવાનું સામે આવ્યું છે. હુમલાખોર સમીર ઉર્ફે પપ્પુ માજોઠીએ હુમલો કરતી વખતે આક્ષેપ કર્યો હતો કે પારુલબેનનો ભાઈ કેવલ તેની દીકરીને ભગાડી ગયો છે, જેનો ખાર રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હુમલાનો ભોગ બનનાર મહિલાનો ભાઈ કેવલ કિશોર સામાન્ય ગુનેગાર નથી, પરંતુ તે કુખ્યાત શામજી મકાની ગેંગનો સક્રિય સભ્ય છે.
હાલમાં કેવલ ગંભીર પ્રકારના ગુનાઓ અને ‘ગુજસીટોક’ હેઠળ નોંધાયેલા કેસમાં જેલના સળિયા પાછળ ધકેલાયેલો છે. આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસે હોસ્પિટલ પહોંચી મહિલાનું નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરીને હુમલાખોરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરી છે.
