આટકોટના દડવા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત; ડ્રાઈવર અને ક્લિનરને ઈજા
ગોંડલના મોટી ખિલોરી ગામે હલણના પ્રશ્ર્ને ત્રણ શખ્સોએ પાડોશમાં રહેતાં પ્રૌઢા ઉપર પાઈપ વડે હુમલો કર્યો હતો. પ્રૌઢાને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાદલ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલ તાલુકાના મોટી ખીલોરી ગામે રહેતાં કાશીબેન વિનુભાઈ પરમાર નામના 45 વર્ષના પ્રૌઢા પોતાના ઘર પાસે હતાં ત્યારે પાડોશમાં રહેતાં સંજય, મનીષ અને મોહિત નામના શખ્સોએ પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા પ્રૌઢાને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. પ્રાથમિક તપાસમાં હુમલાખોર શખ્સો કૌટુંબીક ભત્રીજા થાય છે. બંધ કરી દીધેલું ચાલવાનું હલણ ખોલી દેવાનું કહેતા માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત બીજા બનાવમાં ગોંડલમાં રહેતા રમેશ બાબુભાઈ ઉનાવા (ઉ.30) અને ભરત રાયસિંગભાઈ (ઉ.26) રાત્રીના દસેક વાગ્યાના અરસામાં દડવાથી કપાસ ભરીને ગોંડલ જઈ રહ્યા હતા ત્યારે દડવા નજીક અજાણ્યા ટ્રક ચાલકે કપાસ ભરેલા ટ્રકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાલક રમેશભાઈ ઉનાવા અને ક્લિનર ભરતભાઈને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં.
