હળવદમાં મુસ્લિમ અને ભરવાડ જૂથો વચ્ચે બે દિવસ થયેલી અથડામણના પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. તેમ છતાં ભરવાડ જૂથના સામંત નામના શખ્સની હત્યા કરવા નીકળેલા રાજકોટના નામચીન ગુનેગાર સદામ ઉર્ફે ભાણુ સહિતના 11 શખ્સોએ પોલીસ સાથે માથાકૂટ કરતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે બાકીના શખ્સો નાસી છૂટ્યા હતા.
હળવદના લક્ષ્મીનારાયણ ચોકમાં વાહન સામસામે આવી જતા બોલાચાલી અને માથાકૂટ થયા બાદ જૂથ અથડામણ થઇ હતી. તે માટે એક છકડો રિક્ષામાં હથિયાર સાથે જતા શખ્સોને રસ્તામાં જ રોકવા પોલીસે પ્રયત્નો કર્યા હતા. આ બનાવમાં 1 અજાણ્યા સહિત 11 શખ્સો વિરૂૂદ્ધ પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
હળવદ પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ભરતભાઈ નાથાભાઈએ આરોપીઓ રાજકોટના સદામ ઉર્ફે ભાણો બાઈકમાં સવાર ત્રણ અજાણ્યા શખ્સો અને સાતેક અજાણ્યા માણસો વિરૂૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું છે કે તા. 17ના રોજ હળવદ ટાઉન વિસ્તારમાં લક્ષ્મીનારાયણ ચોકમાં બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો.
કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ટીઆરબી જવાન કમલેશ મકવાણા સાથે પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન મોરબી ચોકડીથી કણબીપરા ચોક તરફ જતા હોય ત્યારે સાંજના સાડા પાંચેક વાગ્યે એક બાઈક ત્રણ શખ્સો લોખંડ પાઈપ અને ધારિયા સાથે જતા જોવા મળ્યા. જેને રોકવા પ્રયત્ન કર્યો પરંતુ નાસી ગયા હતા.
તેની પાછળ એક છકડો રિક્ષામાં આઠેક માણસો લાકડાના ધોકા, પાઈપ અને ધારિયા સાથે જતા હતા. જેથી છકડો રિક્ષા રોકવા પ્રયત્ન કર્યો. ત્યારે રિક્ષામાં સવાર રાજકોટના સદામ ઉર્ફે ભાણો ડ્રાઈવરને કહેવા લાગ્યો કે રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થાતો નથી. રિક્ષા ઊભી રખાવવા પ્રયત્ન ચાલુ રાખતા રિક્ષામાં બેસેલ શખ્સો હથિયાર સાથે નીચે ઉતરી ઝથડો કરવા મોરબી ચોકડી તરફ દોડવા લાગ્યા હતા. ત્યારે સદામ રિક્ષામાં આવેલા માણસોને સામંત ભરવાડને મારી નાખવા ઉશ્કેરતો હતો.
હળવદમાં સામંત ભરવાડને જીવતો ન છોડવાની ઉશ્કેરણી કરવાના ગુનામાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. મોરબી ચોકડી નજીક 11 જેટલા શખ્સો હથિયારો સાથે બાઇક અને રિક્ષામાં જઈ રહ્યા હતા. પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ કર્મચારી ભરતભાઈ ચરમટાએ ફરિયાદ નોંધાવી હતી. રિક્ષામાં બેઠેલા સદ્દામ ઉર્ફે ભાણોએ ડ્રાઇવરને કહ્યું હતું કે, “રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી.” તેણે અન્ય શખ્સોને સામંત ભરવાડને મારવા માટે ઉશ્કેર્યા હતા.
આ ઘટનામાં પોલીસે જાહેરનામા ભંગ અને ઉશ્કેરણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. હાલમાં આસિફ ભટ્ટી, સહેજાન ભટ્ટી અને મહમદહનીફ ભટ્ટીની ધરપકડ કરવામાં આવી છે.
