શહેરના ગાંધીગ્રામ એસ. કે. ચોક પાસે પાણીના કેરબા મામલે બે પક્ષે સામ સામે મારામારી થતા દેરાણી-જેઠાણી સહીત ત્રણ ઇજાગ્રસ્ત થયા હતા અને ત્રણેયને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામા આવ્યા હતા. આ ઘટનામા પોલીસે સામ સામી ફરીયાદ નોંધી આરોપીઓને સકંજામા લેવા તજવીજ શરૂ કરી છે.
વધુ વિગતો મુજબ રૈયાધાર શાંતિનગર શેરી નં 1 મા રહેતા દિવ્યાબેન નિતિનભાઇ ડાભી નામના પરણીતાએ ફરીયાદમા ગાંધીગ્રામમા રહેતા હર્ષ જયરાજભાઇ વાળાનુ નામ આપતા તેમના વિરૂધ્ધ ફરીયાદ નોંધવામા આવી છે આ મામલે દિવ્યાબેને જણાવ્યુ હતુ કે તેઓ ગઇ કાલે ગાંધીગ્રામ શેરી નં 4 મા રહેતા લલીતભાઇ ડાભીને ત્યા જમવા ગયા હતા તે દરમિયાન રાત્રીના સમયે લલીતભાઇ તેમના ઘર નજીક આવેલા પાણીના પ્લાન્ટ ખાતે પાણીનો કેરબો ભરવા ગયા હતા આ દરમ્યાન પાણીનો કેરબો ભરવા મામલે લલીતભાઇ સાથે પાણીના પ્લાન્ટ પાસે બેઠેલા હર્ષવાળા સાથે માથાકુટ થઇ હતી આ દરમ્યાન તેમને સમજાવવા ગયેલા દિવ્યાબેન, તેમના દેરાણી બંસીબેન, બંસીબેનના બહેન ક્રિષ્નાબેન મકવાણા પર આ હર્ષ વાળાએ પાઇપ વડે આડેધડ હુમલો કર્યો હતો. જેને લઇ ઘવાયેલા દિવ્યાબેનને ગંભીર ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલે સર્જરી વિભાગમા ખસેડવામા આવ્યા હતા અને તેમને માથામા 4 ટાકા લેવા પડયા હતા.
જયારે સામા પક્ષે ગાંધીગ્રામ શેરી નં 1 ગંગેશ્ર્વર મહાદેવ મંદિર નજીક રહેતા દિગ્વીજયભાઇ જયરાજભાઇ વાળા નામના યુવાને પોતાની ફરીયાદમા બંશીબેન ડાભી, તેમના જેઠાણી દિવ્યાબેન ડાભી અને બંસીબેનના બહેન ક્રિષ્નાબેન મકવાણાનુ નામ આપતા તેમના વિરૂધ્ધ ગાંધીગ્રામ પોલીસમા ગુનો નોંધવામા આવ્યો છે.
આ ઘટનામા દિગ્વીજયભાઇએ જણાવ્યુ હતુ કે તેમને પાણીનો પ્લાન્ટ છે. ગઇકાલે આ પાણીના પ્લાન્ટે તેમનો નાનો ભાઇ હર્ષ વાળા બેઠો હતો ત્યારે ત્રણેય મહીલાઓએ તમે મારા દિયરનો પાણીનો જગ કેમ આપતા નથી કહી હર્ષને ગાળો આપી ફડાકા ઝીકી લીધા હતા.આ ઘટનામા પીએસઆઇ એસ. એલ. ગોહીલ તપાસ ચલાવી રહયા છે.
