જેતપુરમાં આવેલ આર.પી. એન્ટરપ્રાઈઝ નામની આંગડિયા પેઢીમાં 500ના દરની 12 જેટલી જાલી નોટ ઘુસાડી દેનાર જૂનાગઢ અને ધોરાજીના ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતાં. આ મામલે તપાસમાં જાલી નોટનું મોટુ નેટવર્ક ખુલે તેવી શક્યતા છે. મળતી વિગતો મુજબ જેતપુરના એમ.જે. રોડ ઉપર આવેલ આર.પી. એન્ટરપ્રઈઝ નામની આંગડિયા પેઢીમાં 10 લાખનું આંગડિયુ કરનાર જેતપુરના કણકિયા પ્લોટમાં રહેતા રવી શામજી ડોબરિયાએ 500ના નોટના બંડલમાં આંગડિયામાં જાલી નોટ ઘુસાડી દીધી હતી. જે બાબતે આંગડિયાના સંચાલક નિકેશભાઈ ચંદનાણીએ ફોન કરીને રવિને જણાવ્યું હતું તેમજ આ બાબતે પોલીસને પણ જાણ કરી હતી. જેથી જેતપુર પોલીસે આંગડિયા પેઢીનીબહાર વોચ ગોઠવી હતી.
500ના દરની જાલી નોટ આંગડિયા પેઢીમાં ઘુસાડી દેનાર જેતપુરના રવિ ડોબરિયા જે આ જાલી નોટ પરત લેવા આવ્યો હતો. ત્યારે જેતપુર પોલીસ મથકના સ્ટાફ સાથે એસઓજીની ટીમે તેને ઝડપી લીધો હતો. રવિ ડોબરિયાની આ જાલી નોટ બાબતે પુછપરછ કરતા રવિએ જણાવ્યું કે, ધોરાજીના હિરાપરા વાડીમાં રહેતા તેના મિત્ર પ્રજ્ઞેશ ઉર્ફે પ્રીન્સ ઉર્ફે લાલુ દીનેશભાઈ ઠુમરે અગાઉ આ 10 લાખ રૂપિયાનું આંગડિયુ કરી આવલેલ હતો અને અમુક નોટ બંડલમાં બનાવટી નોટ નાખી દીધેલ હોય અને નોટોના બંડલ મને કોઈને કહ્યા વગર કે બોલ્યા વગર બદલી આપવાનું કહેલ હોય જેથી આંગડિયા પેઢીમાં પ્રીન્સના કહેવાથી આંગડિયુ કર્યુ હોય જે નોટ તે બદલાવવા આવ્યો અને ઝડપાઈ ગયો હતો. આ બાબતે પોલીસે ધોરાજીના પ્રજ્ઞેશ ઉર્ફે પ્રીન્સ ઠુંમરની પુછપરછમાં આ જાલી નોટ ધોરાજીના તેના મિત્ર મીત કિરણ અંટાળા આપી ગયો હોવાનું જણાવતા આ મામલે પોલીસે રવિ ડોબરિયા, પ્રજ્ઞેશ ઠુંમર અને મિત અંટાળાની ધરપકડ કરી હતી.
પોલીસ તપાસ દરમિયાન આ જાલી નોટનું મોટુ રેકેટ ખુલે તેવી શક્યતા છે. હાલ પોલીસે ત્રિપુટીની વિશેષ પુછપરછ કરી છે. આ જાલી નોટ મામલે જેતપુર સ્થાનિક પોલીસ સાથે રાજકોટ ગ્રામ્ય એસોજીએ પણ તપાસ શરૂ કરી છે. ધોરાજીના ખરાવાડનો મિત અંટાળા આ જાલી નોટ ક્યાંથી લાવ્યો તેમજ આ મામલે તેને સાથે મદદગારી કરનાર પ્રજ્ઞેશ અને રવિએ પણ આ જાલીનોટ બાબતે ઘણુબધુ છુપાવ્યું હોય તે મામલે વિશેષ પુછપરછ શરૂ કરવામાં આવી છે. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જેતપુરમાંથી જાલીનોટનું રેકેટ ઝડપાયું હોય ત્યારે આ અંગે તપાસમાં મોટા ખુલ્લાસા થઈ શકે છે.
